ગઝલ હોઈ શકે છે

ચાહતનો આવિર્ભાવ, ગઝલ હોઈ શકે છે,
સૃષ્ટિનો આ બનાવ, ગઝલ હોઈ શકે છે.

દર્શનની પ્યાસી આંખડી, સોમલ પચાવી ગઈ,
મીરાંનો ભક્તિભાવ, ગઝલ હોઈ શકે છે.

અમૃત વહીને અંતે તો ખારાશને મળે,
આ સ્નેહનો પ્રભાવ, ગઝલ હોઈ શકે છે.

ઉગીને આથમી જવું, છે બાજીગરનો ખેલ,
જીવન-મરણનો દાવ, ગઝલ હોઈ શકે છે.

વેરાય સરખે ભાગે બધે તડકો-ચાંદની,
કુદરતનો આ સ્વભાવ, ગઝલ હોઈ શકે છે.

અંજુમ ઉઝયાન્વી

Advertisements