અમર હમણાં જ સૂતો છે

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.

‘અમર’ પાલનપુરી

દેખાઈ રહ્યો છું

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો,
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો,
આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું.

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું.

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.

કહેવું છે પણ ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.

સૈફ પાલનપુરી

હવે ગભરાય છે

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,

કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે.

કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.

એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે

સૈફ પાલનપુરી

અભિનય છે

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું એટલે હમણાં તો ચૂપ છું પણ,
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઈને નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

સૈફ પાલનપુરી

સુમિરનની પાટ

ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિક
સમસ્ત વિશ્વ બનારસનો ઘાટ છે, માલિક

શિખર ઉપરના કળશ જેમ ઝગમગાવી દે
કે મારા મન પે જમાનાનો કાટ છે માલિક

નથી એ ખાલી થતી ભર ઉનાળે રાત તલક
કે પાણિયારે મથુરાની માટ છે, માલિક

હું તારો બંદો છું, એમાં જ ઓતપ્રોત રહું
આ તારું દ્વાર ઈબાદતની હાટ છે, માલિક

હું એમા લેટું તો ઉતરે છે થાક ‘રાહી’નો
હા, મારી પાસે સુમિરનની પાટ છે, માલિક

એસ.એસ. રાહી

આજકાલમાં

વાવડનો તાર મળશે મને આજકાલમાં
આવે છે જેમ યક્ષિણી થઇ તું ટપાલમાં.

શીતળ શિશિરની બીક મને ના બતાવ તું
થોડોક તડકો સાચવ્યો છે મેંય શાલમાં.

મારી દીવાનગી વિશે લોકોને અદેખાઇ
ને તુંય કેવું કહી ગઇ મુજને વહાલમાં.

કાળો સમુદ્ર યાદ કરી અશ્રુ ના વહાવ
તેમાં તરી રહ્યો છું હજી પણ હું, હાલમાં.

‘રાહી’ના રોમેરોમમાં વ્યાપેલી હોય તું
હોતી નથી તું જે ક્ષણે મારા ખયાલમાં.

એસ. એસ. રાહી

ભૂલ કરી

એક મહોબત કરવાની ભૂલ કરી, .
આ દુનિયાને ભૂલવાની ભૂલ કરી.

દાઝ્યા એવા તે કોને જઇ કહેવું,
ક્યાં આગમાં ઉતરવાની ભૂલ કરી ?

ચાર દીવાલો વચ્ચે રહેવું પડશે,
સાંજે પાછા વળવાની ભૂલ કરી.

ના હાથ રહ્યા ના પગ રહ્યા સલામત,
થોડા ધક્કે ચઢવાની ભૂલ કરી.

સૌ ચાતક નજરે અમને તાંકી રહ્યા,
વાદળ જેમ ગરજવાની ભૂલ કરી.

પીનારા આવી પંગતમાં બેઠા,
કહે છે જામ છલકવાની ભૂલ કરી.

મત્લા-મકતાના ઠેકાણા જ નહીં, પ્રવીણ
ને અમે ગઝલ કહેવાની ભૂલ કરી.

પ્રવીણ શાહ