સંત હોવો જોઇએ

ક્યાં કહું છું કોઇ સૂફી સંત હોવો જોઇએ,
પણ મળે જે અમને એ ગુણવંત હોવો જોઇએ.

કંઇ નહીં તો સ્મિતની સોગાદ પણ વ્હેંચી શકે,
એટલો તો માનવી શ્રીમંત હોવો જોઇએ.

જેમ મૈત્રિનો અચાનક અંત આવી જાય છે,
દુશ્મનીનો કૈંક એવો અંત હોવો જોઇએ.

બ્હારથી પર્વત સમો દેખાય તેથી શું થયું,
ભીતરેથી માનવી બળવંત હોવો જોઇએ.

આમ કંઇ તમને મુસાફિર સાવ ભૂલી જાય ના,
ક્યાંક એનામાં છુપો દુષ્યંત હોવો જોઇએ.

મુસાફિર પાલનપુરી