આવી ગઇ

લાખ દુનિયા ચંદ્રની ઊંચાઇ પર આવી ગઇ,
એમ લાગે છે પતનની ખાઇ પર આવી ગઇ.

મિત્ર ! મારા બોલ, એ તો પર્વતો જેવી હતી,
ખાનદાની કેમ તારી રાઇ પર આવી ગઇ.

મોગરાના ફૂલ જેવી જે હથેળીઓ હતી,
પથ્થરોની કારમી કઠણાઇ પર આવી ગઇ.

ખૂબી નહીં, દુનિયાને મારી ખામીઓ દેખાય છે,
દ્રષ્ટિ એની કેટલી નબળાઇ પર આવી ગઇ.

આમ પણ નાની હતી એ ઓર નાની થઇ ગઇ,
આ હયાતી જ્યારથી મોટાઇ પર આવી ગઇ.

જે મુસાફિર જામની ને જુલ્ફની દાસી હતી,
એ ગઝલ નરસિંહ, મીરાંબાઇ પર આવી ગઇ.

મુસાફિર પાલનપુરી