ખબર ન પડે

નજર નજરથી મળી જાય ને ખબર ન પડે.
અદબથી શીશ નમી જાય ને ખબર ન પડે.

કશુંક પ્રાણ સુધી જાય ને ખબર ન પડે.
ગજબનું ઘેન ચડી જાય ને ખબર ન પડે.

કદાચ એ જ દશાને કહે છે પ્રેમ બધાં-
હ્રદય ને કોઈ ગમી જાય ને ખબર ન પડે.

સલામ! રૂપની ભુરકી!તને હજાર સલામ!
કે રોમ રોમ રમી જાય ને ખબર ન પડે.

કહે છે જેને જીવન, કંઈ અજબ કલાધર છે!
મરણનો ઘાટ ઘડી જાય ને ખબર ન પડે.

મળી ગયું તે ગયું! જે નથી મળ્યું એ રહ્યું,
સમય બધું જ કહી જાય ને ખબર ન પડે.

થયા છે એય અનુભવ ગઝલની મહેફિલમાં,
કોઈની દાદ મળી જાય ને ખબર ન પડે.

ઘણીયેવાર મુસાફિર! ગઝલના શે’ર સ્વયં,
વિધિના લેખ બની જાયને ખબર ન પડે.

મુસાફિર પાલનપુરી