કોઈનું માનવું નથી

કંઇ જ વિચારવું નથી આજે,
કોઈનું માનવું નથી આજે.

ના નરોવા ના કુંજરોવા કહું,
સત્ય ઉથાપવું નથી આજે.

છે હકીકત સ્વીકારી લેવાની,
સ્વપ્નમાં રાચવું નથી આજે.

એમનું આવવું ક્યાં નક્કી છે ?
બારણું વાસવું નથી આજે.

મીઠી નીંદરમાં સૂતી છે દુનિયા,
આપણે જાગવું નથી આજે.

પ્રવીણ શાહ

Advertisements

પ્યાર માંગે છે

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે,
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે.

ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે,
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે.

ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી,
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે.

સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી,
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે.

કૈલાસ પંડિત

જાગવાનું હોય છે

રોજ કામે લાગવાનું હોય છે,
એમ જીવન માણવાનું હોય છે.

સ્વપ્નમાં તો ઊડવાની છે મજા,
જોઇને અહીં ચાલવાનું હોય છે.

રોજ ઊઠીને વગોવે આયનો,
રોજ એમાં ભાળવાનું હોય છે.

આમ જોકે ક્યાં કશું છે આપણું,
દ્વાર ઘરનું વાસવાનું હોય છે.

નીંદ મીઠી આપણા ભાગે હશે,
કોઈ ભીતર જાગવાનું હોય છે.

પ્રવીણ શાહ

ચમત્કાર કરી દઉં

જો આપ કહો એક ચમત્કાર કરી દઉં,
આ પાનખરોને હું તડીપાર કરી દઉં.

ચહેરો જ નહીં સૌના ઇરાદાય બતાવે,
થોડોક અરીસાને અસરદાર કરી દઉં.

જો ત્યાં સુધી તોફાન શમી જાય સમયનું,
બે-ચાર દિલાસાનો આધાર કરી દઉં.

એ બીકથી દુનિયામાં દખલ હું નથી દેતો,
કે ક્યાંક ઉપરવાળાને બેકાર કરી દઉં.

હું આપની નજરોથી સદા દૂર રહું છું,
એવું ન બને તમને ગુનેગાર કરી દઉં.

હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વભાવ માણસનો

ટોળે વળવું સ્વભાવ માણસનો,
જ્યાં જુઓ ત્યાં અભાવ માણસનો.

એ જ પર્યાવરણ બગાડે છે,
કોણ કરશે નિભાવ માણસનો.

વૃક્ષ પર બેસી ગાય છે પંખી,
હોય જૂદો લગાવ માણસનો.

કંઇક એ માંગવા સદા તત્પર,
હાથ પાછો વળાવ માણસનો.

રંગ બીજો કબૂલ ના કરીએ
રંગ તું ઝળહળાવ માણસનો.

પ્રવીણ શાહ

ભૂંસાય ચાંદની

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની,
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.

પીને શરાબ ઊંઘો તો સપનાય ના જુઓ,
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની.

તું આંખ સામે હોય તો એવુંય પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ન દેખાય ચાંદની.

તારા સ્મરણનું તેજ મને ડંખતું રહે,
ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની.

‘ઓજસ’ ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનું તેજ રાતે બની જાય ચાંદની.

ઓજસ પાલનપુરી

હૈયે હામ રાખું

હર મુસીબતમાં હું હૈયે હામ રાખું,
કેમકે મનમાં અહર્નિશ રામ રાખું.

ભાવ કરવાની ન ઝંઝટ આપને હો,
એટલે પ્હેલેથી નીચાં દામ રાખું.

ગામની પંચાત તમને હો મુબારક,
હું તો મારા કામ સાથે કામ રાખું.

કેમ તેં કીધું મને તસવીર ફાડી?
રાખ રાધા તું અને હું શ્યામ રાખું.

હું સદા ચમકું છું પીળી ધાતુ જેવો,
એટલે હેમાંગ જેવું નામ રાખું.

હેમાંગ નાયક