મૃત્યુ..!!

મૃત્યુ…
મારાં જ નાટકનું એક પાત્ર છે!
તમારે ભજવવું છે એને?
મારી ના નથી, પણ પહેલાં એક પ્રશ્નનો ઉત્તર આપો…
તમે મૃત્યુને જોયું છે ? એને મળ્યા છો?
ના!?
તો આવડી મોટી જિંદગી જીવીને જોયું શું બીજું?
સારું ચાલો ત્યારે મૃત્યુને જોવાનો એક રસ્તો બતાવું…
બતાવું ને? અરે હા કે ના તો કહો વ્હાલા…!!
અરે બોલો…!! હા કે ના?
ના!?
તો જાતે જ મળી લેજો નસીબ તમારાં!
પણ જવાબ ‘હા’ હોય તો…
ઊભા થાવ…કહું છું ઊભા થાવ…!
સીધા ચાલો…સીધા ચાલો…સીધા ચાલો…
હવે ડાબે વળો… જમણે વળો…પાછા ડાબે વળો… પાછા જમણે વળો…
સીધા જાવ…સીધા જાવ…બસ!
ત્યાં જ ઊભા રહો…
ઉપર જુઓ…નીચે જુઓ…ગોળ ફરો…
ધીમે…ધીમે…ગતિને મંદ કરો,
ટટ્ટાર થઈ જાવ…અને એકીટશે જોયા કરો સામે!
…સામે, શું દેખાય છે?
મૃત્યુ? દેખાયું મૃત્યુ?
ક્યાંથી દેખાય ભલા માણસ…
મૃત્યુ થોડું કંઈ કોઈનું કહેલું માને!?
સોરી હોં…!!તમે આ પાત્ર નહિ ભજવી શકો!
મૃત્યુ બનવા માટે પહેલાં…
તમારે તમારી અંદર જ એને જોવું પડશે!

– બ્રિજેશ પંચાલ ‘મધુર’

ઝંખના કરી છે

ઝંખના કરી છે
હા, એક તારી ઝંખના કરી છે.
સહરાના રણની તરસથી વધુ,
પૃથ્વીવલ્લભની તીક્ષ્ણ આંખોની
જ્વાળાથી યે વધુ,
કોઈ શાયરની દાસ્તાન-એ-ગમ શી
કલમથી યે વધુ,
ઘૂઘવાટા કરતા મસમોટા સમંદરના
મૌનથી વધુ,
ઢળતી સાંજનો કેસરિયો
રંગ બનીને
અંધારી રાતે ચિક્કાર- કારાગાર બની
જીવનથી, શ્વાસોથી,
રુદયથી હદપાર,
એક તારી ઝંખના કરી છે,
અનિમેષ, અમીટ, અગાધ,
અપાર, અહર્નિશ,
અનંત સુધી મટી જઈને તારી
ઝંખના કરી છે,
ઓહ ! એક મારા
‘એ’ની જ ઝંખના….

વાઘેલા ભાગ્યશ્રીબા

હકીકત

કોઈએ કહ્યું છે,
પણ હું તો એને ‘હકીકત’ જ માનું છે,
કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે ધ્વનિ કણો
વાતાવરણમાં જન્મ લઈ અજર-અમર બની; બીજી વાર,
કોઈના મુખે વેશપલટો કરી પાછા આવવા તૈયાર થઈ જાય છે.
ને લ્યો તમને પાછો આના વિશે પ્રશ્ન થાય છે !?
ચિંતા ના કરો પૂરાવા વગર હું કોઈ દલીલ કરતો જ નથી-
તો આ રહ્યો હું માનું છું એ ‘હકીકતનો’ પાકો પૂરાવો –
શ્રીમદ્દ ભગવદ ગીતાનાં સાતમા અધ્યાયનો બીજો શ્લોક
જેમાં કૃષ્ણ કહે છે અર્જુનને –
“હું જે કહું છું એ વિજ્ઞાનસહિત સંપૂર્ણ જ્ઞાન છે,
જેના પછી સંસારમાં કંઈ જાણવા લાયક શેષ નથી રહેતું.”
આવી જ રીતે કિન્તુ થોડા જુદા અંદાજમાં
ચાણક્ય પોતાની ચાણક્ય-નીતિનાં પહેલા અધ્યાયનાં ત્રીજા શ્લોકમાં કહે છે,
“ હું અહીં લોક હિતાર્થે એટલે કે પ્રજાના કલ્યાણ અ‍ર્થે
રાજનીતિનાં એવાં રહસ્યો રજૂ કરીશ જેને જાણવાથી વ્યક્તિ
સર્વજ્ઞાની થઈ જશે.”
તમે કહો પ્રભુ મેં જેને ‘હકીકત’ કીધી એ સત્ય હોય તો જ આવું બને બાકી…
કાનો અને ચાણક્ય,
થોડું કંઈ વિચારે
એક જ જેવું!!!

– બ્રિજેશ પંચાલ ‘મધુર’

સ્મિતની માછલી

તારા બે હોઠ વચ્ચે
તરફડતી
સ્મિતની માછલી તો
હમણાં જ મરી જશે
પાણી વગર,
અલબત્ત
તું ઇચ્છે તો
તારી આ માછલીને
તરતી મૂકી શકે છે
મારાં આંસુના વીરડામાં…!!

– મનસુખ લાખાણી

માણસો

માણસો
તો બધા જ ફરે છે
પોતાના વધસ્થંભ
પોતાના ખભે લઈને.. !!
પરંતુ
કોઈ બીજાને
ખીલો ઠોકવા દેતા
નથી
ઇસુની જેમ !!!

*
તેમને શી રીતે
માફ કરવા ?
તેઓ તો બરાબર
જાણે છે કે તેઓ
શું કરી રહ્યા છે !!

– હરકિસન જોષી

તું એટલે…

તું એટલે :-
મારી નવોઢા ગઝલનું નમણું યૌવન
મારી કવિતાની કુંવારી ભીની આંખ
ગાજવીજ આભે બાજ જેવી ઉડાન
રસ્તો તાકતી રાધાની બાવરી શી નજર
અમાસના આકાશે ઉગ્યો જાણે ચંદ્ર
ને ફરતે વીંટળાયેલા તારાની ભાત એટલે તું…

ઊંડે સચવાયેલી ભીની એક આશ
વરસાદી ટીપાં પર નીખરેલું રૂપ
આંખોમાં સચવાઈને પડેલું એક તલ
આકાશ ઓઢીને નીકળેલો પહેલો વરસાદ
રુદયની તિજોરીમાં ધબકતો ધબકાર એટલે તું…

ભીતરના નિબીડ અરણ્યમાં નાની શી કેડી
મને મારામાં ઓળખાવનાર ઓળખ
મારા હોવાની હયાતીના હસ્તાક્ષાર એટલે તું…
બસ, એક તું એટલે જ હું…
કે જે ધબકે એક તારાથી ને તારામાં જ…
બસ, એક તું એટલે જ…

– વાઘેલા ભ્યાગ્યશ્રીબા

શરમાતી વેદના

તારી આંખોની શરમાતી વેદના એટલે…
મીરાંની આંખોમાં વહેતું વિરહી ચોમાસું
રાધાના રુદયમાં રહેતો વસમો અધૂરો ઈન્તેજાર
વરસાદ પછીના ઉઘાડ માટે તરસતા પારેવાનો ફફડાટ
યુગોથી બંધ અંધારા ઓરડાનું સૂનું એકાંત
શિયાળાના પ્રથમ ઝાકળનું ભીનું એકલવાયું ખુમાર
પુનમની એકલી-અટૂલી-અપૂર્ણ રાતની એકલતા
ધીર-ગંભીર મહાસાગરનું ઘુઘવાટા કરતુ મૌન
હરક્ષણ જાને કંઇક ખોવાઈ રહ્યાનો અહેસાસ
હજારો ફરિયાદો ધરબીને બેઠેલો વડવાનલ
લાખો રહસ્યો ને સમાવીને સચવાયેલો મહેલ
કંઇક વર્ષોની અધૂરી અજુગતી કોઈ ઝંખના
પારાવાર પળેપળે પીડાતી જતી અસહાયતા
મારા રુદયમાં સચવાયેલી સંવેદનાસભર સલ્તનત
તારા રુદયમાં મારી, એક મારી જ અધુરપનો અનુભવ
હા, તારી આંખોની શરમાતી વેદના એટલે : હું.. મારું હોવાપણું..
જે હવે મારામાં જ નથી, ક્યાંય નથી !
બસ, એક તારી આંખોની…

વાઘેલા ભાગ્યશ્રીબા