એવી ખબર થોડી જ હોય?

એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?

હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?

જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?

મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?

ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?

ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી ખબર થોડી જ હોય?

– અનિલ ચાવડા

Advertisements

સ્ટેપલર

ચમકતું સ્ટીલ જેવું
લાલ પટ્ટીવાળું
લાગણીદાર પીનો પોતાની ભીતર સમાવી રાખતું
ને
વિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતું
એક સ્ટેપ્લર હતું મારી પાસે
નકામા ને ખોટી રીતે સ્ટેપલ થઈ ગયેલા સંબંધોને
ઉખાડવા માટેનો અણીદાર ભાગ પણ હતો તેમાં
હમણાથી એ ભાગ થોડો વધારે પડતો વળી ગયો છે
કંઈ પણ ખોટી રીતે સ્ટેપલ થઈ જાય તો ઉખાડી નથી શકાતું
પીન પણ બરોબર નથી લાગતી કાગળોમાં
સંબંધો વિખેરાઈ જાય છે
ફાટી પણ જાય છે
ક્યારેક હાથમાં વાગી જાય તો લોહીઝાણ થઈ જાય છે આંગળી
બહુ મથ્યો તેને રિપેર કરવા
પણ ન થયું તે ન જ થયું
છેવટે દુકાને ગયો, રિપેર કરાવવા
દુકાનદાર કહે,
‘સ્ટેપ્લર તે કંઈ રિપેર કરાવવાનું હોય? બદલી નાખવાનું હોય!’
પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે
અને હું એને બદલી નથી શકતો.

– અનિલ ચાવડા

ગેંગેફેંફે

પીડાઓ પણ પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેફેંફે,
શ્રદ્ધા મારી જોઈને છે ઈશ્વર સુધ્ધાં ગેંગેફેંફે.

હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું !
એવા બરછટ જેની આગળ પથ્થર સુધ્ધાં ગેંગેફેંફે.

ઘાવ જોઈ અટવાઈ ગયા છે આવ્યા’તા જે ઈલાજ કરવા,
દવા બધીયે મૂંગી થઈ ગઈ, હળદર સુધ્ધાં ગેંગેફેંફે.

એ રીતે જોયું એણે કે તલવારોનું કઈ ના આવે,
પળવારે તો થઈ ગયું’તું બખ્તર સુધ્ધાં ગેંગેફેંફે.

ગુલાબ કહી દો, કહો મોગરો, બોલો કંઈ પણ બ્રાન્ડ,
એની સુગંધ આગળ લાગે અત્તર સુધ્ધાં ગેંગેફેંફે.

‘અનિલ’ ગઝલ આ સંભળાવીને તેં બહુ મોટા લોચા માર્યા,
શ્રોતાઓ છે સાવ અવાચક, શાયર સુધ્ધાં ગેંગેફેંફે.

– અનિલભાઈ ચાવડા

ચણવા બેઠા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા,
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા.

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા.

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ,
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા.

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા,
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા.

મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું,
દાતરડું લઇ નહીં ઊગેલું હુંપદ લણવા બેઠા.

– અનિલ ચાવડા

વાત છે

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાંની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?

બોલ હે ઈશ્વર! મને કંડારવામાં-
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?

સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાની વાત કે’ છે પાંદડાની ?

વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.

એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાની.

– અનિલ ચાવડા

અથડાય છે

એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલપણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.

અનિલ ચાવડા

જીવી રહ્યા છીએ

ઇંટ ઉપર ગોઠવેલી ઇંટમાં જીવી રહ્યા છીએ,
એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.

પર્ણમાં, ડાળમાં કે બીજમાં જીવી રહ્યા છીએ?
આપણે વૃક્ષત્વની કઇ રીતમાં જીવી રહ્યા છીએ?

હોઉં હું મારા ગળામાં, હોય છે તારા ગળામાં તું,
પોતપોતાના ગળે તાવીજમાં જીવી રહ્યા છીએ.

તું જ આવીને મને સમજાવ તો સમજું નહીંતર નૈં,
એક્ધારા આ અમે કઇ ચીજમાં જીવી રહ્યા છીએ ?

અર્થ જીવનનો ફકત છે એ જ કે વ્હેવું સતત વ્હેવું,
’ને યુગોથી આપણે સૌ ફ્રીજમાં જીવી રહ્યા છીએ.

અનિલ ચાવડા