વ્યથાની પોટલી

વ્યથાની પોટલી વાળીને બેઠો રહીશ ક્યાં લગ તું,
દ્વિધાનો હાથ આ ઝાલીને બેઠો રહીશ ક્યાં લગ તું.

ઊભો થા..! છોડ નિરાશા અને એ લક્ષ સામે જો,
બધી કર્મણ્યતા ટાળી ને બેઠો રહીશ ક્યાં લગ તું.!

જરુરી હોય છે ઉત્સાહ, જુસ્સો, હામ હૈયામાં,
હ્રદય તારું લઈ ખાલી ને બેઠો રહીશ ક્યાં લગ તું.!

મળે જો સાથ મિત્રોનો તો રસ્તા થઈ જશે સહેલા,
અહં તારાને પંપાળી ને બેઠો રહીશ ક્યાં લગ તું.!

કરીશું આમ, જઈશું આમ, ને આવી જશે મંઝીલ,
ખયાલોમાં ફકત ચાલીને બેઠો રહીશ ક્યાં લગ તું.!

ખરેખર પ્હોંચવું હો ક્યાંક, પગથી ચાલવું પડશે,
પછી આ ખાટલી ઢાળી ને બેઠો રહીશ ક્યાં લગ તું.!

સુકાયાં છે બધાં જંગલ, અહીં ‘આનંદ’ નહીં વરસે,
હવે પકડી સુકી ડાળી ને બેઠો રહીશ ક્યાં લગ તું.!

– અશોક જાની ‘આનંદ’

કારણ હશે

કોઈ તો કારણ હશે,
મન ઉપર ભારણ હશે.

આટલી ચર્ચા પછી,
કંઈક તો તારણ હશે.!

કેમ તૂટી મિત્રતા??
તકલાદી ઝારણ હશે.

છે કથા તો આમ પણ,
નર હશે, નારણ હશે.

જપ હશે, માળા હશે,
નામ ઉચ્ચારણ હશે.

આપણે મન જીવદયા,
સિંહને મન મારણ હશે.

વિશ્વમાં ‘આનંદ’નું,
એક બંધારણ હશે.

-અશોક જાની ‘આનંદ’

વાર છે

પ્હોંચી જશું, પ્હોંચી જશું, બસ દોડવાની વાર છે,
જાતે જ પ્હેરી બેડીઓ બસ તોડવાની વાર છે.

સ્વપ્નો બધાં તુટી જશે ભ્રમણા બધી છુટી જશે,
સામે જ રાખ્યો આઈનો; એ ફોડવાની વાર છે.

નીંદર ભરી ઉંઘરેટી ઘેરી આંખ ખુલે ના છતાં,
જાતે ઉઠી બસ જાતને ઝંઝોડવાની વાર છે.

અઘરું નથી લે આમ તો આકાશ નીચે લાવવું,
ખીલો જરા નિશ્ચયનો મારે ખોડવાની વાર છે.

ભાગી જશે સૌ દુ:ખ અને અવઢવ ઊભી રહેશે નહીં,
‘આનંદ’ સાથે જાતને જઈ જોડવાની વાર છે.

– અશોક જાની ‘આનંદ’

બાકી છે

પાંખ છે પણ ઉડાન બાકી છે,
આંખમાં આસમાન બાકી છે.

તરબતર છું સુગંધ ક્યાં વેરું !
ફુલ સરખું પ્રદાન બાકી છે.

યાદ વીતી ગઈ અતીતની પણ,
યાદનો વર્તમાન બાકી છે.

જિંદગી મેં બહુ આલાપી પણ
મોતની લંબી તાન બાકી છે.

દુ:ખ રડવાની સહુને ફાવટ છે,
એક ‘આનંદ’ ગાન બાકી છે

– અશોક જાની ‘આનંદ’

પલળી ચારે તરફેથી

લથબથ તું વરસાદ ઓઢીને પલળી ચારે તરફેથી,
હાથ બળે છે કેવો જો ને..! સ્હેજ જરા બસ અડકેથી.

મનમોજીલો મેહુલિયો ને મનમોહક તું મહેબુબા,
બુંદે બુંદે ટપકે તારું રૂપ નશીલા અંગેથી.

ચોતરફે ભીનાશની હેલી, સાવ જ કોરું મન તારું,
જાણે કે આવીને ઊભી ધોમ ધખેલા તડકેથી.

મનગમતું છે તન તારું પણ ઉભડક હૈયું કેમ ધર્યું..?
મારા જેવા કંઈક રસિકજન નીરખે કાયમ પડખેથી.

જે દિવસે દોડી આવી તું વેલ થઈ વીંટળાઈ વળે,
બસ ત્યારે ‘આનંદ’નું હૈયું પગલું ચૂકે ધબકેથી.

– અશોક જાની ‘આનંદ’

નિરાળી છે

દિલમાં યાદો બધી નિરાળી છે,
જે ક્ષણો તારી સાથે ગાળી છે.

હું કરું ખેલ એની સાથે રોજ,
વેદના મેં મજાની પાળી છે.

હુંય રાખું ભરોસો માણસનો,
આસ્થા એટલી ઉજાળી છે.

કાલ સુરજ સુવર્ણી ઉગવાનો,
રાત એથી વધારે કાળી છે.

ફુલ ભરચક ખીલે જ્યાં ‘આનંદ’ના,
મનમાં એવી ઉગાડી ડાળી છે.

– અશોક જાની ‘આનંદ’

કોઈ કથા નથી

મનમાં આ વ્યથા નથી મનમાં પીડા નથી,
જો કે જીવનના સારમાં કોઈ કથા નથી.

એવા ગુન્હાનો આજ હું હિસ્સો બન્યો છું જો…,
મુક્તિ નથી વળી જુઓ એની સજા નથી.

શબ્દોની પાછળ જોઈ લો અર્થોની છાંય છે,
વાંચે છે શબ્દ સહુ અરથને જાણતા નથી.

યાદોનો મ્હેલ સાવ જો ખંડિયેર થઈ ગયો,
રહેતું નથી કોઈ ન કોઈ આવ જા નથી.

હું માનતો રહ્યો છું બધાંને જ મુજ સ્વજન,
‘આનંદ’ સહુનો છે ને કોઈ પારકાં નથી.

– અશોક જાની ‘આનંદ’