ત્યાર પછી જુઓ

આ ઘરની ભીંતો ને ઝાંપો
એને એવો ધક્કો આપો
આઘે દૂર ક્ષિતિજે સ્થાપો
ત્યાર પછી જુઓ !

ઘરની આ સંકડાશ ન રહેશે
ઓછો કૈં અજવાશ ન રહેશે
ગૂંગળામણના શ્વાસ ન રહેશે
ત્યાર પછી જીવો !

મનોજ ખંડેરિયા

વગડાનો શ્વાસ

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર,
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજના તેજ મારા પાંદડા પીવે
પીવે માટીની ગંધ મારાં મૂળ
અડધું તે અંગ મારું પીળાં પતંગિયાં
અડધું તે તમારા નું ફૂલ
થોડો ધરતી ને થોડો આકાશમાં
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

જયંત પાઠક

પથારી સંકેલો !

વીતી ગઈ છે રાત: પથારી સંકેલો !
પોકારે પરભાત: પથારી સંકેલો !

અનહદના ઓંછાયા ઓરા ઓરા આવે,
રુંવે રુંવે રણઝણતું કો’ બીન બજાવે;
આ જ ઘડી રળિયાત: પથારી સંકેલો !

મોંસૂઝણાની વેળા થઈ છે:નેણાં ખોલો !
અજવાળાનાં પગલાં થાશે:ખડકી ખોલો !
પરદા ખૂલશે સાત: પથારી સંકેલો !

બચકાં બાંધો: જાવું છે છેટાની વાટે ,
વાટ જુએ છે શામળિયો જમનાને ઘાટે;
ભેળી લેજો જાત: પથારી સંકેલો !

અરવિંદ બારોટ

તને મારા સોગંદ

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ,
મને મોરલી કહે કે મોર પીછું કહે
મને માધવ કહે તો તને મારા સોગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ?
હું તો પાણીમાં તરફડતી માછલી.
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટના, તો
ખાલીખમ શ્રીફળની કાચલી.
જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથું યે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઈવ
જાણે સૂક્કેલા પાંદડાની જાળી,
ચપટી વગાડતાંમાં ઊડી ગઈ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.
મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે
મને માણસ કહે તો તને મારા સોગંદ.

હરીશ મિનાશ્રુ

જીવન અંજલિ થાજો

જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો;
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો;
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
મારું જીવન અંજલિ થાજો !

કરસનદાસ માણેક

એક દિન હતો

એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી !
એક દિન હતો, એક પળ હતી !

તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું !
એક દિન હતો, એક પળ હતી !

કરસનદાસ માણેક

કાલે મળીએ છીએ

સો વાતોની એક વાત
અમાસ કે અજવાળી રાત
આપણે કાલે મળીએ છીએ

થોડા તડકે થોડા છાયે
હું જમણે તું બેસે ડાબે
રુદયના મંજૂલ ધબકારે
અસ્ત ઉદયને સંધિ કાળે મળીએ છીએ
આપણે કાલે મળીએ છીએ

વાણી વિલાસને ભૂલી
પળ બે પળ કાળને રોકી
બંધ આંખોને પલકારે
ક્યાંક મન-સરવરની પાળે મળીએ છીએ
આપણે કાલે મળીએ છીએ

હરિયાળી પર હળવે પગલે
એક બીજાને ડગલે ડગલે
ઝાકળના ઝીણાં છલકારે
મધુર સ્મૃતિઓ વચાળે મળીએ છીએ
આપણે કાલે મળીએ છીએ

ઘન ઘોર ઘટાની પારે
દૂર દૂર અગમ્ય આરે
કડ કડ વીજને ચમકારે
કોઈ મેઘ ધનુષી ઢાળે મળીએ છીએ
આપણે કાલે મળીએ છીએ

પ્રવીણ શાહ