અજવાળી આપો

ધુમ્મસ થોડું ગાળી આપો,
અંધારું અજવાળી આપો.

મૃગજળ પાછળ મન દોડે છે,
મનને બીજે વાળી આપો.

ના તોડો આ ફૂલ સુગંધી,
લીલી લીલી ડાળી આપો.

દર્દ-દવાને એક જ સમજો,
પાણીમાં ઓગાળી આપો.

દિલનું માની થાક્યો છું હું,
એક સલાહ સુંવાળી આપો.

સંતો જીવે બેફિકર થઇ,
એવું જીવન ઢાળી આપો.

પ્રવીણ શાહ

Advertisements

ત્યારે બદલાયા

સંજોગો ત્યારે બદલાયા,
પથરીલા રસ્તે ફંટાયા.

ખરીદવાને ટોળા જામ્યા,
બારોબાર અમે વેચાયા.

પર્વત પરથી નદીઓ આવી,
ત્યારે તો સાગર સચવાયા.

સૂરજ ડૂબ્યો પશ્ચિમે જઈ,
પૂરવમાં ઊગ્યા પડછાયા.

બેઉ મન જ્યારે એક થયા,
મતલબ જીવનના સમજાયા.

પ્રવીણ શાહ

હસે તો કહેજો

માણસ અમસ્તો પણ હસે તો કહેજો,
જે હોય મનમાં એ કહે તો કહેજો.

આ સાદ અંતે જઈ હવામાં ડૂબે,
એકાદ પડઘો જો પડે તો કહેજો.

સ્વર ધડકનોના મનને અકળાવે છે,
જો કોઈ નીરવ સ્થળ જડે તો કહેજો.

સંકેલી લઉં છું પ્યાસ પણ મારી હું,
જો પાક જળ ટીપું મળે તો કહેજો.

વાણી ઉપર મારો રહ્યો છે કાબુ,
આ બોલવું મારું કઠે તો કહેજો.

પ્રવીણ શાહ

ઉડાન રાખે છે

આંખમાં આસમાન રાખે છે,
મસ્ત-મોજી ઉડાન રાખે છે.

સૃષ્ટિને બેસુમાર ચાહે છે,
જીવ-નિર્જીવનું માન રાખે છે.

સમજી લો આંખના ઈશારાઓ,
શબ્દને બેજુબાન રાખે છે.

દૂરના લક્ષ્ય પર નજર રાખે,
ના કશું દરમિયાન રાખે છે.

શ્વાસને સ્થિર રાખી જાણે છે,
મન-ગતિ વેગવાન રાખે છે.

પ્રવીણ શાહ

સાંજ આવે છે

મોડી મોડી સાંજ આવે છે,
લઈને તારી યાદ આવે છે.

હું વિવશ થઇ સાંભળી લેતો,
નિત્ય એવા સાદ આવે છે.

માંડ થોડા હોશમાં આવું,
જામ લઈને રાત આવે છે.

સ્હેજ આ આંખો મીચાઈ છે,
ત્યાં પજવવા ખ્વાબ આવે છે.

તાલ દેવા ધડાકનો આવી,
બેસુરા થઇ શ્વાસ આવે છે.

– પ્રવીણ શાહ

તારું શરણ

સ્વપ્ન છે ના જાગરણ છે,
કેવું આ વાતાવરણ છે.

અહીં સમેટાઈ જવાનું,
ક્યાંક પાછું વિસ્તરણ છે.

ખાલી ખાલી સાંજ વચ્ચે,
એક તારું સાંભરણ છે.

મોસમે પણ ચાલ બદલી,
આજ કોનું અવતરણ છે ?

સર ઝૂકે ના ક્યાંય બીજે,
એક મને તારું શરણ છે

પ્રવીણ શાહ

હસતા રહ્યા

તેજથી અંજાઈને હસતા રહ્યા.
છાંયમાં છુપાઈને હસતા રહ્યા.

સુખ હમેશાં બે કદમ આગળ રહ્યું,
દુઃખથી ટેવાઈને હસતા રહ્યા.

ના રહ્યા ઘરના રહ્યા ના ઘાટના,
મન હી મન મૂંઝાઈને હસતા રહ્યા.

રાસ ના આવી શિશિર, વર્ષા, વસંત,
પતઝડમાં ઝુરાઈને હસતા રહ્યા.

રંગ બીજો આ બદન પર ના જચ્યો,
રાખમાં રંગાઈને હસતા રહ્યા.

વહેલું-મોડું મોત આવવાનું હતું,
ભૂલી જઈ ચતુરાઈ, ને હસતા રહ્યા.

પ્રવીણ શાહ