ચોખ્ખું તન

ચોખ્ખું તન હો, ચોખ્ખું મન હો,ચોખ્ખું ગામ ને શેરી,
ચોખ્ખાઈથી ઊકળે મિત્રો, હરપળ સર્વ પહેલી.

ઝાડુ જાણે ચીજ અહિંસક, ગાંધી ચીંધી વેણુ,
જેના સૂરે ભાગે ગંદી આદત ભાયું-બેનું,
લાંબા સમયે સાચી સમજણ હાથ પડી છે બેલી …. ચોખ્ખું તન

ગામ, શહેરો, સઘળી વસ્તી ચોખ્ખી થશે જ્યારે,
દેશ-દેશના મન મૂકીને વસાવાને લલચાશે,
સદી ગયેલાં રોગ- ગરીબી નાસે વંડી ઠેકી, …. ચોખ્ખું તન

મંત્ર સ્વચ્છતા જપતાં જપતાં હોશ થકી જોડાશો,
નબળાં- સબળાં એકી સાથે પળમાં ઊભા થશો,
નવતર જીવન-નૌકા થશે પગલે પગલે વહેતી.!! …. ચોખ્ખું તન

– ગુણવંત ઉપાધ્યાય

Advertisements

થઈ જવું

આઝાદ થઈ જવું કે આપવાદ થઈ જવું;
તારા છે હાથમાં કે એકાદ થઈ જવું !

ચર્ચા કરીને થાક્યા સમજ્યું ના કોઈ પણ,
એકાન્તને જ ઓઢી તાદાદ થઈ જવું.

કાયાની ગાંસડીમાં શું શું ભર્યું હશે;
સઘળું ભૂલીને પ્યારે; આબાદ થઈ જવું.

ઝઘડા- ફસાદના સૌ મુદ્દા ફગાવીએ;
ભીતરથી કોઈ બોલે સંવાદ થઈ જવું!

આગળ ઉપર સરોવર મીઠું મળી જશે;
પ્યાસા હરણની નાભિ કે નાદ થઈ જવું !

– ગુણવંત ઉપાધ્યાય

નોંધ:-
ભાવનગરના આદરણીય કવિશ્રી ગુણવંત ઉપાધ્યાય હાલ અમદાવાદમા ICUમાં
તેમની બીમારીની સારવાર લઈ રહ્યા છે એમનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય
અને ઈશ્વર તેમને દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના સાથે……

ચાલ સાથે બેસ

ચાલ સાથે બેસ તો સમજાય પણ;
શ્વાસ જેવું વ્હેંચી જો; વ્હેંચાય પણ !

હોવું બીજું કંઈ નથી હોવું જ છે;
સંન્નિકટતા અર્થને પરખાય પણ !

આપણે ક્યારે ય ક્યાં હોતા નથી ?
આપણાંમાં શું વળી ડોકાય પણ !

સંગ કરવો છે શબદનો ચેતજે;
આગ કેવળ આગ છે ફેલાય પણ !

ઈશ્ક એ મિજાજ હકીકી થઈ શકે;
અર્થમય અવકાશથી ભીંજાય પણ !

સ્હેજ કડવી ને વળી ગળપણ મઢી—
જિન્દગી છે; જિન્દગી જિવાય પણ !

શ્વાસ સઘળા થઈ શકે ઉન્નત સખે;
છેક બથ્થડ આવરણ ભેદાય પણ !

– ગુણવંત ઉપાધ્યાય

સમયપાર છું

સફળતા; વિફળતા; સમયપાર છું
અકળ મન; હ્રદય; રક્તસંચાર છું.

જીવું છું; જીવી જઈશ એના લીધે;
ગઝલનામે અધકચરો ઇકરાર છું.

હકીકતમાં છું પણ હકીકત નથી;
હું ઠેબે ચડી કોઈ વણજાર છું.

ગતિ-અવગતિ એ તમારી સમજ
લગોલગ ઊભો છું ને રફતાર છું.

વ્યથા; આંસુ; આહો લૂટાયા પછી;
હું બાકી વધેલો સદાચાર છું.

મને ઓળખે ક્યાંથી તારું જગત;
નિરાકાર; નિ:સ્પંદન આધાર છું.

કે નિરપેક્ષ “ગુણવન્ત” એથી રહે;
ગમે ત્યાં પ્રયોજો; ગુણાકાર છું:-)

– ગુણવંત ઉપાધ્યાય

લખવા કહે

ઊગતાં પહેલાં જ આથમવા કહે,
આવતી પળ એબ જાળવવા કહે.

શું કહે છે એય ક્યાં સમજાય છે,
વાદળું જાણીને ઝરમરવા કહે.

હસ્તરેખા કોરીકટ્ટ જેને મળી,
એમને વર્ષા વિશે લખવા કહે.

શબ્દ જ્યાં નિ:સ્પંદ અર્થો બેનકાબ,
લાગણી ત્યારે ય લગભગવા કહે.

એમને પથ્થર થયે વરસો થયા,
ભાવપૂર્વક જેમને ભજવા કહે.

હાથ જેવુંઃ ક્યાં રહ્યું; ક્યાં છે મશાલ ?
જાત ક્યાં છ્ તોય ઝળહળવા કહે.

પૂરતાં યત્નો અને ” ગુણવંત” બેઉં,
છે જ તો પર્યાય ઓળખવા કહે.

– ગુણવંત ઉપાધ્યાય

રસ્તામાં

સમયને અવગણી ફેંકી ગયું છે કોઈ રસ્તામાં,
સમજના અર્થને છેદી ગયું છે કોઈ રસ્તામાં.

સૂરજના ઊગવા સાથે હશે સંધાન હલચલને,
તમારી જાતને ખેંચી ગયું છે કોઈ રસ્તામાં.

ગુલાબી એક પગલું સહેજ મલક્યું ચાલવા સાથે,
મધુર સ્વર સાંભળી બહેકી ગયું છે કોઈ રસ્તામાં.

સતત બસ ચાલવું, પણ ક્યાં સુધી; ઉત્તર જરી આપો.!
અમારો પ્રશ્ન અવહેલી ગયું છે કોઈ રસ્તામાં.

ક્ષણોના થાકનું પ્રસ્વેદ-બિંદુ લઈ હથેળીમાં,
અમારી આંખમાં બેસી ગયું છે કોઈ રસ્તામાં.

– ગુણવંત ઉપાધ્યાય

સમય પાર છું

સફળતા, વિફળતા, સમય પાર છું,
અકળ મન, હૃદય, રક્તસંચાર છું.

જીવું છું, જીવી લઈશ એના લીધે,
ગઝલ નામે અધકચરો ઈકરાર છું.

હકીકતમાં છું પણ હકીકત નથી,
હું ઠેબે ચઢી કોઈ વણઝાર છું.

ગતિ-અવગતિ એ તમારી સમજ,
લગોલગ ઊભો છું ને રફતાર છું.

વ્યથા, આંસુ, આહો લૂંટાયા પછી,
હું બાકી વધેલો સદાચાર છું.

મને ઓળખે ક્યાંથી તારું જગત,
નિરાકાર, નિઃસ્પંદ આધાર છું.

કે નિરપેક્ષ ‘ગુણવંત’ એથી રહે,
ગમે ત્યાં પ્રયોજો ગુણાકાર છું.

ગુણવંત ઉપાધ્યાય