પામી શક્યો છે શું ?

પૂછું છું રોજ ખુદને કે પામી શક્યો છે શું ?
અલ્લાહ આપી આપીને આપી શક્યો છે શું ?

શ્રધ્ધાને આંખ છે કે પછી એ ય અંધ છે ?
બંદા તું જાણી જાણીને જાણી શક્યો છે શું ?

આપ્યું શું એણે વાત એ હમણાં તો બાજૂ મૂક ;
સજદામાં માથું રગડીને માંગી શક્યો છે શું?

તારી નિકટ ખુદા છે ઓ ઝાહિદ ! ભલે રહ્યો ;
ખુદની જરા નિકટ કદી આવી શક્યો છે શું ?

જીવન છે ચાર દી’નો પથારો? બહુ સરસ !
આ ચાર ‘દી સુખેથી ગુજારી શક્યો છે શું ?

કોઈના દુઃખને સમજી શકે ક્યાંથી દેવદૂત !
સૂકી કદીયે રોટલી ખાઈ શક્યો છે શું?

મારી ભલાઈ દિલથી કરી છે તો એ બતાવ ;
મારી આ જન્મ-કુંડળી ફાડી શક્યો છે શું ?

ખુદને અરીસે જોઉં તો ભીંતો પૂછ્યા કરે ;
ભાલે લખાયેલું કશું વાંચી શક્યો છે શું ?

‘નાશાદ’ એ હિસાબ હશે પાપ – પુણ્યનો;
લીધું છે કેટલું અને આપી શક્યો છું શું?

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Advertisements

જવાબ નથી

ધરા મળી તો રહ્યું દુઃખ કે આફતાબ નથી;
સમજનો દોષ છે કંઈ ભાગ્ય તો ખરાબ નથી.

ઘણાંયે ચહેરા સજાવીને મોહરાઓ ફરતાં;
આ મારી સામે જુઓ કોઈ એક નકાબ નથી.

કહો તો હમણાં ગણાવું પ્રસંગ સુખના પણ;
દુઃખોની વાત ન પૂછો, એનો કશો હિસાબ નથી.

સુગંધની મને લાલચ નથી ,તું જો માળી !
આ ખાલી હાથનો ખોબો છે, ફૂલછાબ નથી.

કરે છે મન તો મનોમન હું ગુનગુનાવું છું;
હવે આ હાથોમાં વીણા નથી , રબાબ નથી.

ખમીસ ફાટેલું ઓળખ બની ગુઈ મારી;
હવે ન પૂછો કે શાને અહીં ગુલાબ નથી.

હું ઘરનાં દ્વારે ઊભો આહવાન દઉં સૌને;
કહે છે કોણ કે જન્નતમાં કંઈ અઝાબ નથી.

ખુદાની સાબિતી બાબત ન પૂછો કંઈ “નાશાદ”;
બધાંની પાસે છે અટકળ,ખરો જવાબ નથી.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

વરસાદી નથી

આદેશો, નીતિનાં બંધન, ક્યાંયે આઝાદી નથી ;
સત્ય છે ખામોશ આજે , શબ્દ સંવાદી નથી.

ધૈર્યની આ છે કસોટી કે સમયનો ત્રાસ છે ?
હોય બરબાદી ને કહેવાનું કે બરબાદી નથી !

ઘાવ વરસોથી ઝીલીને પણ અડીખમ છે હજી ;
છાતી છો નબળી પડી પણ પીઠ તકલાદી નથી.

થાક નિષ્ફળતાનો છે બસ જાગરણનાં મૂળમાં;
ક્યાં ય શહઝાદો નથી ને ક્યાં યે શહઝાદી નથી.

કોઈ પૂછે કે સફર કેવી રહી તો કહેવું શું ?
ઠોકરો ક્યાં ક્યાં મળી છે એની કંઈ યાદી નથી.

સાંભળ્યું “નાશાદ” હૈયું નભનું પણ દ્રવી ઉઠ્યું !
આંખ મારી એકલી કંઈ આજે વરસાદી નથી.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

કિસ્સો બની જઈશ

સચ્ચાઈ છું પણ કાલે એક કિસ્સો બની જઈશ;
નિષ્ફળતાનો ઈતિહાસ લઈ પાછો ફરી જઈશ.

આંખોમાં સૌની ખટકું છું ના ગમતું સત્ય છે ;
બાકી ગણતરી તો હતી દિલમાં વસી જઈશ.

છે મૌન મારું બંધ પત્તાની રમત સમાન;
આ ભોળપણ વાચાળ થાશે તો ખુલી જઈશ.

તૂફાન આપે છે ઝઝુમવાની મને શક્તિ ;
દરિયો હશે જો શાંત તો નકકી ડુબી જઈશ.

મારા વિનાના વિશ્વની હમણાંથી અટકળો ?
ચાલી રહી છે વાત હું જલ્દી ઊઠી જઈશ !

સત્કર્મ, આશિર્વાદ, ભક્તિ, પ્રાર્થના સબબ ;
શ્રધ્ધા હતી “નાશાદ” ને સાચું જીવી જઈશ.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

અરમાન શું?

માન શું? સન્માન શું? મારી અલગ પહેચાન શું ?
માનવી સામાન્ય છું મારે વળી અરમાન શું?

ઠોકરો, આઘાત, અડચણ ક્યારેક આવે પણ ખરા ;
જિંદગી જીવી જવી છે એટલી આસાન શું ?

બારણાં ખખડે થતું પૂછું ઉઘાડી દ્વારને ;
ઓ પવન, કહે તો ખરા આવ્યું નવું ફરમાન શું ?

મારાથી આગળ જનારાઓએ કીધી છે ટકોર;
ભાગ્ય તારું છે પતન,તારે વળી ઉત્થાન શું ?

લાગણી રાખી તો વળતરની અપેક્ષા છે તને?
દોસ્ત મારા! દોસ્તીમાં હોય છે અહેસાન શું?

નામ, ધન, વૈભવ વિશે “નાશાદ” મુંઝારો ન કર;
લઈને શું આવ્યા હતા, લઈને જશું સામાન શું ?

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

લે તું મને

વીતી જતો સમય છું વળાવી લે તું મને ;
હું ક્યાં કહું છું દિલમાં વસાવી લે તું મને.

ભૂતકાળ થઈ જવાની લગોલગ તો શું થયું ;
છું જ્યાં લગી, બને તો નભાવી લે તું મને.

સંભવ નથી છતાં એ હકીકત હું જાણું છું;
ધારે તો એક પળમાં મનાવી લે તું મને.

ઊભો છું તારે દ્વાર અરજ એટલી લઈ ;
યા હાથ દે યા હાથ બતાવી લે તું મને.

હો લાગણી તો સ્પષ્ટ તને પણ થવું રહ્યું ;
ચાલી નહીં શકું હું , ચલાવી લે તું મને.

લાવી શકે છે બોલ ઝલક વીતી કાલની?
તારું ગજુ નથી કે હસાવી લે તું મને.

હું આજ છું એ જાણ્યા પછી વાજબી નથી ;
ગઈકાલ સમજી ભીંતે સજાવી લે તું મને.

બ્રુટસ સમાન જાણીતા ચહેરા છે આસપાસ ;
દુશ્મનને કહી રહ્યો છું બચાવી લે તું મને.

જો અંત દુર્દશાનો ન હો જિંદગી સુધી ;
“નાશાદ”ની દુઆ છે ઉઠાવી લે તું મને.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

અટકળ

શક્યતા, સંજોગ, અટકળ ;
બે ઘડીનું સુખ, પછી છળ.

અપશુકન એને જ સમજો;
હો સફળતાની ઉતાવળ.

પ્યાસની પીડા જો કિસ્મત;
શું ફરક જળ હો કે મૃગજળ.

પાંપણો તો યે ના ઢળતી ;
બારણે ખખડે ન સાંકળ.

આંખ થાકે વાટ જોતા ;
યુગ સમાણી હોય છે પળ .

ભૂલતો ના ઓ ટપાલી !
આવશે એકાદ કાગળ .

સુખ નથી,દુઃખપણ નથી કંઈ;
તોય આંખો મારી ઝળહળ.

કંઇ ન ઉપચારક કહે છે;
શાને છાતીમાં છે સળવળ.

રસ્તો કંઇ “નાશાદ” મળશે;
વાત અંતરની તો સાંભળ.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’