અફવામાં રહ્યો

નજીવી વાતમાં નાહક હું અફવામાં રહ્યો,
જરા બે-ચાર દિ’ અમથો હું પડદામાં રહ્યો.

સમજતાં વાર લાગી એટલો બસ રંજ છે,
ઘણું તો દોસ્તો માટે હું અથવામાં રહ્યો.

ભલા શું અર્થ એનો આમ બસ દાઝી જવું?
જગતની લ્હાયમાં ફોગટ બળતરામાં રહ્યો.

કદી જીતી ગયો છું તો કદી હારી ગયો,
સતત હું જાતની સાથે જ સ્પર્ધામાં રહ્યો.

રહસ્યો તો રહ્યા અકબંધ સરવાળે બધાં,
જીવનભર હું કદી શ્રદ્ધા ,તો શંકામાં રહ્યો.

મને લૂંટી શક્યા ના એનું કારણ એ હતું,
નિરંતર હાથ મારો તંગ ખર્ચામાં રહ્યો.

મને ડૂબાડનારા જે છે મારાં ખાસ છે,
લઉં શું નામ,કોના-કોના કર્જામાં રહ્યો?

છતા ભટકી ગયો સાચું પગેરું શોધવા,
કદી કાશી અને ક્યારેક મક્કામાં રહ્યો.

હજી મયખાનેથી એ ઘર સુધી પહોચ્યો નથી,
કોઇ તો હાથ ઝાલો ‘પરશુ’ રસ્તામાં રહ્યો.

– પરશુરામ ચૌહાણ

Advertisements

શા માટે?

અરે ઓ મેહૂલા, તું આમ તડપાવે છે શા માટે?
તું નાહક સાવ ઠાલા વાદળા લાવે છે શા માટે?

પશુ-પંખી, બિચારા કેટલા રીબાય છે નાહક,
બડો જાલીમ થઈને આમ તલસાવે છે શા માટે?

કરી અંધાર ભરદિવસે તું ઘેરે છે દશે દિશા,
પછી વાદળ વિખેરી સૌને ભરમાવે છે શા માટે?

બફારો, ઘામ, ને ઊકળાટથી તોબા હવે તોબા!
કસોટીને બહાને મેહુલા, તાવે છે શા માટે?

નઠારો થઈને જૂઠા નાટકો ભજવે છે રોજેરોજ,
વરસવું હોય ના તો આભ ગરજાવે છે શા માટે?

– પરશુરામ ચૌહાણ

જેવું છે કશું

ગામમાં વરસાદ જેવું છે કશું,
ના હવે ફરિયાદ જેવું છે કશું.

ઝળહળી છે વીજ-રેખા આભમાં,
ના હવે અવસાદ જેવું છે કશું.

ટોડલે ટહૂકી રહ્યો છે મોરલો,
ભીતરે ઉન્માદ જેવું છે કશું.

ઊંબરે આવીને ઊભો,મેહુલા,
શું તને મરજાદ જેવું છે કશું?

શ્વાસમાં છે પીગળી માટી જરા,
જીભ ઉપર સ્વાદ જેવું છે કશું

એક તો આભે ને બીજો અંતરે,
એકધારા નાદ જેવું છે કશું.

રોમમાં પ્રસરી રહી ભીની મહેક,
ને પમરતી યાદ જેવું છે કશું.

– પરશુરામ ચૌહાણ

તો કહું

તું જરા મુજને સતાવે તો કહું,
ને તને પણ એમ ફાવે તો કહું.

ક્યાંક તારામાં થયો છું ગુમ અહીં,
તું મને મુજ થી મળાવે તો કહું.

દૂરથી ના પૂછ તું મારી ખબર,
રૂ-બ-રૂ પાસે તું આવે તો કહું.

મેં લખ્યાં ગીતો મધુરા સ્મિતથી,
તારા હોઠો પર સજાવે તો કહું.

રીસ તારાથી મને છે કેટલી !
તું જરા મુજ ને મનાવે તો કહું.

‘હા’ કે ‘ના’ જેવું કશું હોતું નથી,
તું ફકત પાંપણ ઝુકાવે તો કહું.

છે ઉઘાડી મુજ હકીકતની કિતાબ,
તારા વિશે તું જણાવે તો કહું.

ક્યાં સુધી છે વિસ્તરેલું આ ગગન ?
તું મને તુજમાં સમાવે તો કહું.

તારી આંખોમાં ડૂબ્યો હું કઇ રીતે?
તું મને સહસા બચાવે તો કહું.

કઇ રીતે પ્રગટી શકે છે રોશની ?
‘હું’-‘તું’ નું વળગણ જલાવે તો કહું.

– પરશુરામ ચૌહાણ

ઘાવની ચર્ચા

મૂક ને પડતી એ નફરત – પ્યાર ની ચર્ચા,
ને હવે રહેવા દે માણસ જાત ની ચર્ચા.

કેમ નક્કામી કરો છો રાખની ચર્ચા?
કે હજી પૂરી નથી થઈ આગની ચર્ચા.

સાવ ઠાલા છે મલમ -ઔષધ્,દવાદારૂ,
ના કરો વકરી ગયેલા ઘાવની ચર્ચા.

લોક તો ઉમટે કિનારે જોઈ ને ભરતી ,
ને કરે હાંફી રહેલાં વ્હાણની ચર્ચા.

આભથી વરસી રહી છે ચાંદની શીતળ,
થાય છે શાથી હમેંશા દાગ ની ચર્ચા?

– પરશુરામ ચૌહાણ

બસ જિંદગી

બસ જિંદગી એવી રીતે જીવી જવાય છે,
કડવાશ જેટલી હો હવે પી જવાય છે.

નાહક કહો છો આપ હજી જોમ છે ઘણું,
આ તો છે ઢાળ તેથી જ દોડી જવાય છે.

લેવા પડે છે ઠીક વિસામા ઘડી ઘડી,
થોડુક ચાલીએ અને થાકી જવાય છે.

આંખો ખૂલી ફરી તો સપાટી ઉપર હતો,
હાથે કરી ને ક્યાં કદી ડૂબી જવાય છે?

ઠેબે ચડ્યો છે મારો જ ઓળો હવે મને,
એવું છે થોડું કૂદી કે ઠેકી જવાય છે.

– પરશુરામ ચૌહાણ

એક વેદના

પૂછો ના કોઈ હવે હોય કેવો વગડો ને હોય કેવા ઝાડ અને છાંયડા,
હોય કેવા કૂવા ને વાવ અને વાડી કે સીમ અને પાદર ને ગામડાં….॰ પૂછો ના કોઈ

પૂછો ના કોઈ હવે હોય કેવી નદિયું, તળાવ અને વહેળા કે વોંકળા,
ભરખી ગયો કાળ શું વાડા ને કોઢ સોતા ધણચરના મેદાનો મોકળા ,
ખોવાણા ગાયું ને ભેંસુના ધણ,અને ખોવાણા ભડકીલા વાછડા……….પૂછો ના કોઈ

ક્યાય નથી તમરાનું ઝીણેરું ગાન,નથી રીઢા એ રામધણ રાનમાં ,
ધોરીની કોટ મહી ઘમકે ના ઘૂઘરાં, ના સંભળાતો કોસ હવે કાનમાં .
પૂછો ના હોય કેવા ખેતર ને ચાડીયા, ને શેઢા,ને ચાસ અને ક્યારડા…..પૂછો ના કોઈ

ક્યાંય નથી ડેલી કે નળીયાળા ખોરડા કે ઢાળિયા ને બેસણાં બડાઈ ના,
ક્યાંય નથી ઢોલણી કે ઢોલિયા,ને આંગણાં કે હિંડોળા વડની વડવાઈના .
ક્યાંય નથી ઘમ્મર વલોણાંના ગાજ,નથી દળણાંના ગીતો ના રાગડા…..પૂછો ના કોઈ

પૂછો ના સુરજનું ઉગમણે ઊગવું શું ,સાંજુક ના આથમણે નમવું,
ક્યાંય નથી દેખાતો ચાંદલિયો રાત્ય,એક પલકારે તારાનું ખરવું .
આટલામાં ક્યાંક હશે ધરબાયો આદમી કે મંગાવો કોદાળી-પાવડા….. પૂછો ના કોઈ

– પરશુરામ ચૌહાણ