અડી શકાયું નહિ

હદથી આગળ વધી શકાયું નહિ,
શ્વાસ સાથે લડી શકાયું નહિ.

સુખ મળ્યું’તું લજામણી જેવું,
હાથમાં લઈ અડી શકાયું નહિ.

સાવ સૂનાં થઈ ગયાં પગલાં,
ને ચરણથી રડી શકાયું નહિ.

શ્વાસ તલવાર જેમ લટકે છે,
મ્યાન એનું ઘડી શકાયું નહિ.

તું તળેટીમાં આવ, મારાથી
ટોચ સુધી ચડી શકાયું નહિ.

– પ્રવીણ જાદવ

Advertisements

ઘૂંટ્યો હશે

દમ સપાટી પર ઘણો ઘૂંટ્યો હશે,
શ્વાસ પરપોટાનો જ્યાં છૂટ્યો હશે.

ભવ્યતા ખંડેરની જોયા પછી,
એમ લાગ્યું મહેલ ત્યાં તૂટ્યો હશે.

રોજ મોજાં ઊછળે છે આંખમાં,
કોઇ દરિયો ભીતરે ફૂટયો હશે.

કેમ સંતાઈ ગયો ઘડિયાળમાં?
શું સમયને કોઈએ લૂંટ્યો હશે?

ભાગ્ય ખૂશ્બોનું હવે ખૂલી ગયું,
મોગરાને એમણે ચૂંટ્યો હશે.

~ પ્રવીણ જાદવ

સમજાય છે ?

આંખનું ઊંડાણ ક્યાં સમજાય છે?
આંસુનો દરિયો સતત છલકાય છે.

એક ઠેકાણે કદી રહેતો નથી,
ઘર પવનનું ક્યાં કદી બંધાય છે?

લાગણી મોટી નદી છે એટલી,
કે બધા એમાં તણાઈ જાય છે.

મન ઉપર જ્યારે કરૂં છું ગોળીબાર,
ટોળું ઈચ્છાઓનું વિખેરાય છે.

મેં લખી’તી જે ગઝલ એકાંતમાં,
આજ એ જાહેરમાં વંચાય છે.

– પ્રવીણ જાદવ

ચાખ્યા પછી

સ્હેજ કડવું સ્વાદમાં લાગ્યા પછી,
લોક થૂંકી નાંખશે ચાખ્યા પછી.

એ જ તો મહિમા ખરો છે દાનનો,
કોઈને કહેવું નહીં આપ્યા પછી.

શબ્દમાં થોડું વજન મૂકી જુઓ,
કોઇ સમજે નહિ જો સમજાવ્યા પછી.

પૂરી દીધો મેં સમય ઘડિયાળમાં,
એને ચારે બાજુથી કાપ્યા પછી.

પીંછી હળવા હાથથી ફેરવ જરા,
રંગ ઊખડશે નહીં લાગ્યા પછી.

– પ્રવીણ જાદવ

ખૂટી ગયો

એક માણસ એટલો તૂટી ગયો,
આંસુનો જળધોધ પણ ખૂટી ગયો.

બીક એને ડૂબવાની ક્યાં હતી?
એક પરપોટો તરત ફૂટી ગયો.

લાગણીઓ ત્યાં કદી ઊગી નહીં,
એ કઠણ રણમાં પછી ડૂબી ગયો.

એ વમળમાં એટલું ખેંચાણ છે,
જો જરા અડક્યો, તરત ખૂંપી ગયો.

એટલો આનંદ લખવામાં મળ્યો,
હું ગઝલમાં દર્દને ભૂલી ગયો.

– પ્રવીણ જાદવ

પકડો

નીકળી જાય નહિ સમય,પકડો.
બંધ મૂઠ્ઠી કરી સખત પકડો.

લોકમાનસ સુધી પહોંચાશે,
બસ તમે હાથમાં કલમ પકડો.

જાદુથી કમ નથી શબદ મારા,
જો ગઝલનો ખરો મરમ પકડો.

ખૂબ લાગી હશે તરસ રણમાં,
ઝાંઝવાંમાં હશે પરબ,પકડો.

કેદમાંથી ફરાર થઇ ગ્યાં એ,
કોઇ જાઓ અને તરત પકડો…

– પ્રવીણ જાદવ

સુવાસ લાગે છે

મસ્ત મીઠી સુવાસ લાગે છે,
એ જરૂર આસપાસ લાગે છે.

છે બધા લાગણીભર્યા લોકો.,
ત્યાં કવિઓનો વાસ લાગે છે.

અંત ક્યાં છે કદી સમસ્યાનો?
જો ગણો તો પચાસ લાગે છે.

છોડવાનો નથી જ ઈચ્છાઓ,
માનવી એનો દાસ લાગે છે.

એ કદી આવતા નથી પાસે,
જિંદગી ભર જે ખાસ લાગે છે. ..

-પ્રવીણ જાદવ