સારું નથી

અર્થ વિનાનું ભ્રમણ સારું નથી,
કોઈનું લેવું શરણ સારું નથી.

બેફિકરને લોક પાગલ સમજે છે,
કોણ કહે છે શાણપણ સારું નથી.

છાશવારે એ મદદ લઇ આવશે,
દોસ્તોનું આ વલણ સારું નથી.

કંઇ ન કરવાને બહાનું જોઈએ,
કહી દો કે વાતાવરણ સારું નથી.

સારું જોવા રાખજો સારી નજર,
નહીં તો કહેશો કંઇ જ પણ સારું નથી.

પ્રવીણ શાહ

Advertisements

રાતનું આકાશ

રાતનું આકાશ મારા હાથમાં,
ચાંદ રમશે રાસ મારા હાથમાં.

એટલે હસતો રહું છું હું સતત,
એક દર્પણ ખાસ મારા હાથમાં.

ફૂલ પર શબનમ બની મહેકી રહ્યા,
સ્પર્શના એહસાસ મારા હાથમાં.

સો છલકતા જામ પણ ઓછા પડે,
છે દીવાની પ્યાસ મારા હાથમાં.

ભાગ્ય આવી હાથમાં, છટકી જશે,
છે મને વિશ્વાસ મારા હાથમાં.

પ્રવીણ શાહ

આ જિન્દગી

ઈશ્વરી ઉપહાર છે આ જિન્દગી,
ગત જનમનો સાર છે આ જિન્દગી.

વેર ને નફરત એના દુશ્મન હશે,
સ્નેહ પારાવાર છે આ જિન્દગી.

દ્વેષ, ઈર્ષ્યા જો તમે ભૂલી શકો,
વાર ને તહેવાર છે આ જિન્દગી.

કોઈ જો તપ સમજીને એને જીવે,
તકલીફોને પાર છે આ જિન્દગી.

આ હવાની ‘આવ-જા’ને સો સલામ,
શ્વાસ ને ધબકાર છે આ જિન્દગી.

પૂર્ણમાંથી પૂર્ણ લઈને આવી છે,
દુન્યવી અવતાર છે આ જિન્દગી.

પ્રવીણ શાહ

ખયાલ શામળનો

જોઈ ચહેરો ઘેઘૂર વાદળનો,
મનમાં આવે  ખયાલ શામળનો.

ભીતરે અંધકારની દુનિયા,
હર પળે છે  ખયાલ ઝળહળનો.

લોક વાતો કરે છે યુગ યુગની,
રાખું છું હું ખયાલ પળપળનો.

ભૂમિને તો તમે કરી સમથળ,
ક્યાંથી આવે ખયાલ  ખળખળનો.

દોડવું, હાંફવું પણ ક્યાં સુધી,
જિંદગી છે ખયાલ  મૃગજળનો.

– પ્રવીણ શાહ

કોઈનું માનવું નથી

કંઇ જ વિચારવું નથી આજે,
કોઈનું માનવું નથી આજે.

ના નરોવા ના કુંજરોવા કહું,
સત્ય ઉથાપવું નથી આજે.

છે હકીકત સ્વીકારી લેવાની,
સ્વપ્નમાં રાચવું નથી આજે.

એમનું આવવું ક્યાં નક્કી છે ?
બારણું વાસવું નથી આજે.

મીઠી નીંદરમાં સૂતી છે દુનિયા,
આપણે જાગવું નથી આજે.

પ્રવીણ શાહ

જાગવાનું હોય છે

રોજ કામે લાગવાનું હોય છે,
એમ જીવન માણવાનું હોય છે.

સ્વપ્નમાં તો ઊડવાની છે મજા,
જોઇને અહીં ચાલવાનું હોય છે.

રોજ ઊઠીને વગોવે આયનો,
રોજ એમાં ભાળવાનું હોય છે.

આમ જોકે ક્યાં કશું છે આપણું,
દ્વાર ઘરનું વાસવાનું હોય છે.

નીંદ મીઠી આપણા ભાગે હશે,
કોઈ ભીતર જાગવાનું હોય છે.

પ્રવીણ શાહ

સ્વભાવ માણસનો

ટોળે વળવું સ્વભાવ માણસનો,
જ્યાં જુઓ ત્યાં અભાવ માણસનો.

એ જ પર્યાવરણ બગાડે છે,
કોણ કરશે નિભાવ માણસનો.

વૃક્ષ પર બેસી ગાય છે પંખી,
હોય જૂદો લગાવ માણસનો.

કંઇક એ માંગવા સદા તત્પર,
હાથ પાછો વળાવ માણસનો.

રંગ બીજો કબૂલ ના કરીએ
રંગ તું ઝળહળાવ માણસનો.

પ્રવીણ શાહ