અને થોડા મિત્ર છે

એમાં તમે છો હું છું અને થોડા મિત્ર છે,
એથી જીવન કથાના પ્રસંગો સચિત્ર છે.

દિલની સમક્ષ મારે નથી તારી કંઇ જરૂર,
દર્પણ નથી હવે એ હવે તારું ચિત્ર છે.

એ સારા માનવીનું મુકદ્દર ઘડ્યું ખરાબ,
કોને કહું કે મારી વિધાતા વિચિત્ર છે ?

જો એમાં જીવ હોત તો એ પણ સરી જતે,
સારું છે – મારા હાથમાં નિર્જીવ ચિત્ર છે.

સૌ નીંદકોને લાવી દીધા છે પ્રકાશમાં,
આપ જ કહો કે કેટલું ઊજળું ચરિત્ર છે

બેફામ જાઉં છું હું નહાઇને ર્સ્વગમાં,
જીવન ભલે હોય મરણ તો પવિત્ર છે.

બરકત વિરાણી ‘બેફામ’

સૌજન્ય- એફ. બી.

Advertisements

ખબર ક્યાં છે?

હજી પણ એમને ખાના ખરાબીની ખબર ક્યાં છે?
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યાં છે?

મને પણ કોઇ શક પહેલી નજરના પ્રેમ પર ક્યાં છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યાં છે?

મળી લઈએ, હવે આવે સુખદ અંજામ ઉલ્ફતનો,
તને મારી ફીકર ક્યાં છે, મને તારી ફીકર ક્યાં છે?

બિછાવ્યા તો નથી એમાંય કાંટા કોઇયે ‘બેફામ’,
મરણ પહેલા જરા હું જોઇ લઊં મારી કબર ક્યાં છે?

બરકત વિરાણી ‘બેફામ’

એક તું ને એક હું

આખી દુનિયામાં બિચારા એક તું ને એક હું,
એક બીજાના સહારા એક તું ને એક હું.

જેની વચ્ચેથી વહે છે પ્રેમનો એક જ પ્રવાહ,
એ નદીના બે કિનારા એક તું ને એક હું.

ચાંદ-સૂરજને ય ઈર્ષા થાય છે જેની કદી,
બે જ છે એવા સિતારા એક તું ને એક હું.

એકબીજાની તરફ ઢળીએ છતાં મળીએ નહીં,
ઝૂલતા એવા મિનારા એક તું ને એક હું.

બાગ એક જ, વાસ એક જ, રંગ એક જ, એ છતાં,
નોખેનોખા ફૂલાક્યારા એક તું ને એક હું.

બાકીની બેફામની ગઝલો રહે કે ન રહે,
રહી જશે બે શે’ર સારા એક તું ને એક હું.

બરકત વિરાણી ‘બેફામ’

તરાવી ગયા તમે

પ્રીતિમાં એવી રીતે ડુબાવી ગયા તમે,
માયા ને મોહમાંથી તરાવી ગયા તમે.

એની અસરથી આખું જગત ઝળહળે તો છે,
ઉરમાં ભલેને આગ લગાવી ગયા તમે.

જો કે અરસપરસ હતી દિલની જ આપલે,
હું ખોટમાં રહ્યો અને ફાવી ગયા તમે.

ડાહ્યા જનોને મારી અદેખાઈ થાય છે,
કઈ જાતનો દીવાનો બનાવી ગયા તમે ?

બેફામે તમને જીવતા દીધા હતા જે ફૂલ,
એની કબર ઉપર એ ચઢાવી ગયા તમે ?  

બરકત વિરાણી ‘બેફામ’