ડામચિયા પર

વરસોના વરસો દોડે છે ડામચિયા પર,
વીતી ગયેલી પળ બોલે છે ડામચિયા પર.

રાતે આંખોના ફળિયામાં લ્યો આળોટી,
શમણા ભેગા થઈ પોઢે છે ડામચિયા પર.

કાળ! સમયની ગોદડીઓને ઢાંકી રાખી,
જાણે બચપણને શોધે છે ડામચિયા પર.

સાફસફાઈ ક્યાં પૂરી થઈ આખા ઘરની?
એક હજી જાળું ડોલે છે ડામચિયા પર.

પોતપોતાની રીતે શૈયા થાય ભલેને,
સાથે કેવા સહુ શોભે છે ડામચિયા પર !

આ ઓશિકા ને ચાદર ત્યાં નવરા બેઠાં,
સંબંધોના પડ ખોલે છે ડામચિયા પર.

ઉજાગરાના ટોળેટોળાં જાગી જાગી,
પરંપરાઓને જોડે છે ડામચિયા પર.

– યામિની વ્યાસ

Advertisements

ક્યાં મળે?

આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?

ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે,
આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે?

ધારણા સાચી પડી આજે તમારૂં આગમન !
બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે?

આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ,
ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલા ક્યાં મળે?

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે?

યત્ન પથ્થરથી કર્યા તો એકનાં કૈ થૈ ગયા,
દર્પણોનાં દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે?

– યામિની ગૌરાંગ વ્યાસ

ઘાત આવી છે

મહેકી રાતરાણી ખુશનુમા મધરાત આવી છે,
પરંતુ નીંદ ક્યાં ? એ લઈને અશ્રુપાત આવી છે.

ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે,
સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે.

કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે,
અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે.

ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને,
હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે.

ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી,
હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે.

– યામિની વ્યાસ

છત્ર રાખું છુ

ગગન જેવુ ગગનનું છત્ર રાખું છુ,
ખબર છે ! હાથમાં નક્ષત્ર રાખું છુ.

લખે છે નામ પર મારા સમય કાયમ,
બધા એ સાચવીને પત્ર રાખું છું.

મળ્યું ‘તું જેવુ બસ એવું પરત કરવા,
ન લાગે ડાઘ એવું વસ્ત્ર રાખું છું.

વગર વાંકેય છે આરોપ મારા પર,
કે પાંપણ વચ્ચે કાતિલ શસ્ત્ર રાખું છું.

આ મારી જાતનું કરવા સ્વમૂલ્યાંકન,
હ્રદયમાં મારા વાર્ષિક સત્ર રાખું છુ.

– યામિની વ્યાસ

પ્રતીક્ષા

દરિયામાં
પડું પડું થતાં સૂરજને
મેં મારી નજરથી ટેકવી રાખેલો.
તું આવે ત્યાં સુધી…..
ને પછી,
મારી આંખ જ દરિયો !
સૂરજની મૂંઝવણ
હવે ક્યાં ડૂબવું ?!!

– યામિની વ્યાસ

મને શું ?

હ્રદયમાં ઉદાસી તો એમ જ રહે છે,જમાનો ભલેને હસાવે મને શું ?
નથી માણતું મન કોઈ વાતમાં પણ છતાં લાગણી મન મનાવે મને શું ?

તને પામવાના પ્રયત્નોમાં હું પણ ઘવાઈ જખમ તેં ય કેવા દીધા છે.!
નિરાધાર અશ્રુઓ વહેતાં રહ્યાં છે, બહાના હજારો બનાવે મને શું ?

સતા એક ઇચ્છા બહારો મળેને મહેંકથી ચમન તારું મઘમઘ કરી દઉં,
કળીઓનો ચિત્કાર તું સાંભળે ના, ફૂલો કંટકોથી સજાવે મને શું ?

ભલે હાર પામું, નથી જીતવાની, પરંતુ રમત તું રમત જેમ રમ ને !
ઘણી વાર પાનું બીજું ઉતરે તું, હુકમનો કદી સર છુપાવે મને શું ?

નથી કોઈ મારી પ્રતીક્ષા હવે ને નથી કોઈ પગરવ, નથી કોઈ દસ્તક,
કહેણ મોકલે આવવાના ન આવે, છતાં પણ સપનમાં સતાવે મને શું ?

– યામિની વ્યાસ

વર્કિંગ વુમનનું ગીત

નીંદ કદી ના પૂરી થાતી, આંખે ઊગે થાકનો ભાર,
સીધ્ધી સનનન કરતી સવાર… !

“ચીંકું મીંકું ઝટ ઉઠો” કહી દોડી કપાળ ચૂમે,
આખા દિ’ની જનમકુંડળી સવારથી લઈ ઘુમે,
કામ વચાળે કહે પતિને ” ક્યારે ઊઠશો યાર..?!” ….સીધ્ધી સનનન….

માંડ પહોંચતી ઓફિસ સૌના પૂરા કરી અભરખાં,
ફરી રઘવાટ રસોઈનો જ્યાં એ આવી કાઢે પગરખાં.
કેટલી દોડમદોડી તોયે થઈ જાતી બસ વાર…. સીધ્ધી સનનન…..

શમણાંઓ શૈયા પર પોઢ્યાં, ઓશિકામાં મીઠી વાત,
અડધી નીંદર અડધું જાગ્યા, એમ પૂરી થઈ આખી રાત.!
અડધી ઘરે, અડધી ઓફિસે, કેવી જીવનની પગથાર..!….સીધ્ધી સનનન…..

– યામિની વ્યાસ