આવ્યો છું

વાર્તા નહીં વાત લઇને આવ્યો છું,
વીછળેલી જાત લઇને આવ્યો છું.

ઘટ્ટ કાળી જિંદગીના નેપથ્યે,
સપ્તરંગી ભાત લઇને આવ્યો છું.

ધર્મ, ભાષા, જાત રાખો બાજુએ,
માણસોની નાત લઇને આવ્યો છું.

ઘેલછા છે રાતરાણીની ઘણી,
એટલે તો રાત લઇને આવ્યો છું.

છો રહ્યો પ્રત્યેક ડગલે  હું વિફળ,
સામટી તાકાત લઇને આવ્યો છું.

રતિલાલ સોલંકી

અત્તર અત્તર.!

તારી યાદોનું વાવેતર,
વાવ્યું છે મેં ખેતર ખેતર.

મારે માથે નભ ફાટયું છે,
એને માથે છત્તર છત્તર.

પથ્થર દિલ પણ પળમાં પીગળે,
અશ્રુઓ કેવાં બળવત્તર. !

કોણ ગયું છે આ રસ્તેથી ?
આખો રસ્તો અત્તર અત્તર.!

સુખમાં સાથે લાખો લોકો,
દુ:ખમાં કેવળ પંદર સત્તર.

સાવ કફન ઓઢાડી અમને,
ઓઢી લીધું ખુદ પાનેતર.!

– રતિલાલ સોલંકી

જાહોજલાલી.

કલમ સાથે પનારો છે, હવે જાહોજલાલી,
સમય સાક્ષાત મારો છે, હવે જાહોજલાલી.

હતું ફિક્કું જગત મારું, થયું છે સપ્તરંગી,
સનમ એ સ્પર્શ તારો છે, હવે જાહોજલાલી.

છવાયું’તું અચાનક ઘોર અંધારું, હવે તો,
સદંતર ઝગમગારો છે, હવે જાહોજલાલી.

સગાં, સ્નેહી, સંબંધી, મિત્ર, સાથે કોઈ ન્હોતું,
હવે પાછળ કતારો છે, હવે જાહોજલાલી.

તબીબો સાંભળી લો એ હવે સાથે જ છે તો,
દરદમાં છો વધારો છે, હવે જાહોજલાલી.

– રતિલાલ સોલંકી

મોગરાનો હાર

સારાપણાનો સાર છે આ જિન્દગી,
ને મોગરાનો હાર છે આ જિન્દગી.

તું તો કહે છે કે હળાહળ ઝેર, પણ
હું તો કહું રસધાર છે આ જિન્દગી.

ના ભાંડ ગાળો તું હવે ભગવાનને,
એનો જ તો આભાર છે આ જિન્દગી.

અવસર સમજ પ્રત્યેક પળ ને જો પછી,
આનંદ અપરંપાર છે આ જિન્દગી.

મન તરબતર થઇ જાય છે એક છોડથી,
એવા ચમન હજ્જાર છે આ જિન્દગી.

રતિલાલ સોલંકી

મળતા’તા

ભરબપોરે સરવર પાળે મળતા’તા,
ખોવાયેલા એકબીજામાં જડતા’તા.

સંસદ કરતાં સાવ અનોખી ચર્ચાથી,
રંગબેરંગી મનસૂબાઓ ઘડતા’તા.

ઊજવી લેવા ઢાઈ અક્ષરનો ઉત્સવ,
ગાઢ મનોમંથનમાં કાયમ પડતા’તા.

ઘટના છે આ શમણું એનું જોયાની,
છાનું-છપનું રોજ સવારે રડતા’તા.

દો ને આંખે આંખ પરોવી પ્રત્યુત્તર,
ગઝલો મારી શું કરવા ગણગણતા’તા.

વાંધો બીજો કાંઇ નથી પણ એ જ હતો,
અંગત અંગત અંદરખાને નડતા’તા.

રતિલાલ સોલંકી

પ્યાર હોવો જોઇએ

દર્દનો ઉપચાર હોવો જોઇએ,
સરભરામાં પ્યાર હોવો જોઇએ.

હાથ અડતાં પર્ણ શરમાઇ ગયાં,
સ્પર્શમાં સંચાર હોવો જોઇએ.

વાદળી માફક હૃદય વરસી શકે,
શબ્દમાં પણ ભાર હોવો જોઇએ.

વિશ્વ આખું જો રુઠે તો શું થયું,
એમનો આધાર હોવો જોઇએ.

સાવ ઉજ્જડ છો દીસે ને બા’રથી,
ભીતરી શણગાર હોવો જોઇએ.

એટલામાં મોત ના મારી શકે,
કાળજે પ્રહાર હોવો જોઇએ.

રતિલાલ સોલંકી

ઓળખે તો બસ છે

એવું સતત ગોઠવે તો બસ છે,
તારો સમય આમ દે તો બસ છે.

કોને પડી છે પ્રસિધ્ધિની ભૈ,
તું એકલી ઓળખે તો બસ છે.

ગીતો ભલે ગાય નૈ મારા, પ્ણ,…
તારી ગઝલ બોલશે તો બસ છે.

ને કોણ કે’ ગામ ઓલવવાનું ?
ઘર કોક્નું ઓલવે તો બસ છે.

આદર્શ, સિધ્ધાંત તો વાતો છે,
સમજણ ફકત કેળવે તો બસ છે.

પ્રત્યક્ષ મળવું અશક્ય ભલે પણ,
ખત રોજનો મોકલે તો બસ છે.

રતિલાલ સોલંકી