મુશ્કેલ છે બંદા થવું !

જોઈ લે તારી ઉપેક્ષાની અસર,
એક આ દરિયાનું પરપોટા થવું !

થઈ ગયા કેવી રીતે ઈશ્વર તમે ?
કેટલું મુશ્કેલ છે બંદા થવું !

હર યુગે તારી પરીક્ષા થાય છે,
કેમ પોસાતું તને સીતા થવું ?

છાંય મીઠી છે બધા જાણે જ છે,
લીમડાને પરવડે કડવા થવું !

સંશયો વહેમો ભરેલા વિશ્વમાં,
છે કરિશ્મો અન્યની શ્રદ્ધા થવું !

ભોળપણ, અચરજ, અનુકંપા, ગયાં
આપ શું આને કહો મોટા થવું ?

– રિષભ મહેતા

સૌજન્ય- એફ. બી.

Advertisements

મારી ભાષા !

મારા જીવનના બે પાસાં
મારી મા ને મારી ભાષા !

પરભાષાને જે ધાવે છે
એ બચ્ચાંઓ સદૈવ પ્યાસાં !

પહેલા ખોળાની ગઝલ છે
તું હરખથી વ્હેંચ પતાસાં .

ગામ ગઝલનું દૂર ઘણેરું
પહોંચ્યો , લાગ્યાં વરસો ખાસ્સાં !

બે ની વચ્ચે બે પેઢી છે
એક વૈજયંતી , એક બિપાશા !

હું હવે ટેવાઇ ગયો છું
મોત ના મોકલ મને તું જાસા !

વેન્ટીલેટર પર ભલે હો
એ અમર છે , જીવશે આશા !

– રિષભ મહેતા

અલગ

આપણી મંઝીલ અલગ ને આપણા રસ્તા અલગ,
એટલે પડતાં રહ્યાં છે આપણા પગલાં અલગ.

ડૂબવા ચાહું છું હું તું શોધ સાહિલની કરે,
આપણી નૌકા અલગ ને આપણા દરિયા અલગ.

સાદ દઉં તુજને હું, તુજથી ‘એ..ય’ પણ બોલાય ના,
આપણા શબ્દો અલગ ને આપણા પડઘા અલગ.

હું તને ઝંખું અને તું ઝંખના જગની કરે,
આપણા હૈયાં અલગ ને આપણી દુનિયા અલગ.

માત્ર તારી શોધ મુજને, તું બધાની શોધમાં,
આપણી આંખો અલગ છે, આપણા સપનાં અલગ.

હું તને મળવા મથું તું રાહ કોઈની જુએ,
આપણા યત્નો અલગ ને આપણી ઈચ્છા અલગ.

કંઈ નહિ તો વેદના તો પ્રેમની સરખી મળી,
અશ્રુ તો સરખાં જ નીકળ્યાં હો ભલે ધારા અલગ.

એકબીજાનું નિહાળી મોં જીવ્યે જાશું, ભલે,
ચાર મોઢે આપણી ચાહતની હો ચર્ચા અલગ.

હાથ રાખી હાથમાં ‘બેતાબ’ તોય જીવશું,
હોય છો ને આપણા આ હાથની રેખા અલગ.

– રિષભ મહેતા

એક હકીકત:

તીવ્ર ઇચ્છા છે સળગવાની મને,
પણ નવાઇ એક તણખાની મને.

હુ સફર છું એક ખાલી નાવની,
બીક ના બતલાવ દરિયાની મને.

હું શિખર પર છું અને છું એકલો,
શૂન્યતા ઘેરી જ વળવાની મને.

નામ સરનામું નથી દીધું છતાં,
યાદ તારી રોજ મળવાની મને!

એટલો ના સાચવ્યા કર તું મને,
જિન્દગી! એક દિ’ તું ખોવાની મને.

રિષભ મહેતા

એક આરત

એટલી તું દે સરળ બાની મને,
કોઇ પણ માની ન લે ગ્યાની મને.

ના પડી હો તારી દુનિયાની મને,
તું સમજ આપી દે દીવાની મને.

આ સમજદારી તો પજવી નાંખશે,
આપ તું થોડીક નાદાની મને!

દાગ એના પર ફકત સજદાનો,
હો આપજે બેદાગ પેશાની મને.

એને વશમાં રાખવાની દે કળા,
સાંપડ્યા છે શબ્દ તોફાની મને!

બંધ આંખો બંધ હોઠોથી વદું,
દે અભિવ્યક્તિ તું રુહાની મને!

તારું સર્જન આવું ? તું કેવો હશે ?
એક કેવળ એ જ હૈરાની મને !

રિષભ મહેતા

એક શિકાયત

કામના દીધી બગીચાની મને
એક પણ દીધી ન ફૂલદાની મને!

શ્વાસ લેવાની રજા આપે છતાં,
ક્યાં અદા દે છે તું જીવવાની મને?!

વ્યક્ત પૂરો થઈ શકુ છું ક્યાં કદી ?
આવડી ભાષા કહો ક્યાંની મને?!

હું હસું છું તો ય જાણે કે રડું!
હાય લાગી કોના હૈયાની મને?!

માર્ગ કાંટાળો કર્યો પહેલાં, પછી-
ફૂલના જેવી દીધી પ્હાની મને!!

સાંજ તો ભોંકાય મારા શ્વાસમાં,
ક્યાં કમી છે બાણશૈયાની મને?!

તુ હણે મારી હયાતી હર ક્ષણે,
ને સમજ પણ દે છે હોવાની મને!!

રિષભ મહેતા

ઘર ના બને

અટકળોથી શિલ્પના ઘર ના બને,
શ્વાસ લેવાથી જ જીવતર ના બને.

ખીલવું એમાં જરૂરી છે કમળ,
માત્ર પાણીથી જ સરવર ના બને.

ઘાવ જીવતો રાખતાં શીખો પ્રથમ,
કલ્પનાથી કોઈ શાયર ના બને .

કૈં જનમનાં તપનું એ પરિણામ છે,
એમ પથ્થર કાંઈ ઈશ્વર ના બને .

જે ઉઝરડાઓ છે તારી યાદના,
તે રુઝે એ જિંદગીભર ના બને .

છૂટા પડવાનીય દુર્ઘટના બને ,
તું મળે તેથી જ અવસર ના બને .

કાચ જેવો પ્રેમ, પથ્થરનું નગર,
આ નગરમાં આપણું ઘર ના બને.

~રિષભ મહેતા