ઝંખના કરી છે

ઝંખના કરી છે
હા, એક તારી ઝંખના કરી છે.
સહરાના રણની તરસથી વધુ,
પૃથ્વીવલ્લભની તીક્ષ્ણ આંખોની
જ્વાળાથી યે વધુ,
કોઈ શાયરની દાસ્તાન-એ-ગમ શી
કલમથી યે વધુ,
ઘૂઘવાટા કરતા મસમોટા સમંદરના
મૌનથી વધુ,
ઢળતી સાંજનો કેસરિયો
રંગ બનીને
અંધારી રાતે ચિક્કાર- કારાગાર બની
જીવનથી, શ્વાસોથી,
રુદયથી હદપાર,
એક તારી ઝંખના કરી છે,
અનિમેષ, અમીટ, અગાધ,
અપાર, અહર્નિશ,
અનંત સુધી મટી જઈને તારી
ઝંખના કરી છે,
ઓહ ! એક મારા
‘એ’ની જ ઝંખના….

વાઘેલા ભાગ્યશ્રીબા

Advertisements

જીરવાતો નથી

ભાગ્યશ્રીબા વાઘેલા આમ તો અછાંદસ કવિતા લખે છે,
જેમાંની થોડી આપણે ‘આસ્વાદ’ પર માણી છે. આજે તેમણે
પ્રથમવાર ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો છે. જે ખરેખર દિલને
સ્પર્શી જાય તેવી થઇ છે. થોડા છંદદોષને ક્ષમ્ય ગણી તેમની
ગઝલ માણશો અને તેમને પ્રોત્સાહન આપશો. ગઝલ –

વરસાદ છે, પણ ખાલીપો જીરવાતો નથી,
કદીય ન ઉઘડતો મૌન દરિયો સહેવાતો નથી.

વાત ન કર ફરી ફરી તું એના આવવાની,
અટકળોનો બંધ દરવાજો જોવાતો નથી.

કૂણા તડકાની જેમ હવામાં ફેલાઇ જવાય,
શતરંજનો એકલાથી દાવ ખેલાતો નથી.

આમ કયાં સુધી મૂંગા શબ્દોનો ખાટલો ઢાળું ?
તારી બંધ આંખોનો સહરા ખેડાતો નથી.

ક્યાં સુધી હું જાતને ભીતર ધરબી રાખું,
પીડા ભરેલો છે માંહયલો, જીરવાતો નથી.

– વાઘેલા ભાગ્યશ્રીબા

તું એટલે…

તું એટલે :-
મારી નવોઢા ગઝલનું નમણું યૌવન
મારી કવિતાની કુંવારી ભીની આંખ
ગાજવીજ આભે બાજ જેવી ઉડાન
રસ્તો તાકતી રાધાની બાવરી શી નજર
અમાસના આકાશે ઉગ્યો જાણે ચંદ્ર
ને ફરતે વીંટળાયેલા તારાની ભાત એટલે તું…

ઊંડે સચવાયેલી ભીની એક આશ
વરસાદી ટીપાં પર નીખરેલું રૂપ
આંખોમાં સચવાઈને પડેલું એક તલ
આકાશ ઓઢીને નીકળેલો પહેલો વરસાદ
રુદયની તિજોરીમાં ધબકતો ધબકાર એટલે તું…

ભીતરના નિબીડ અરણ્યમાં નાની શી કેડી
મને મારામાં ઓળખાવનાર ઓળખ
મારા હોવાની હયાતીના હસ્તાક્ષાર એટલે તું…
બસ, એક તું એટલે જ હું…
કે જે ધબકે એક તારાથી ને તારામાં જ…
બસ, એક તું એટલે જ…

– વાઘેલા ભ્યાગ્યશ્રીબા

શરમાતી વેદના

તારી આંખોની શરમાતી વેદના એટલે…
મીરાંની આંખોમાં વહેતું વિરહી ચોમાસું
રાધાના રુદયમાં રહેતો વસમો અધૂરો ઈન્તેજાર
વરસાદ પછીના ઉઘાડ માટે તરસતા પારેવાનો ફફડાટ
યુગોથી બંધ અંધારા ઓરડાનું સૂનું એકાંત
શિયાળાના પ્રથમ ઝાકળનું ભીનું એકલવાયું ખુમાર
પુનમની એકલી-અટૂલી-અપૂર્ણ રાતની એકલતા
ધીર-ગંભીર મહાસાગરનું ઘુઘવાટા કરતુ મૌન
હરક્ષણ જાને કંઇક ખોવાઈ રહ્યાનો અહેસાસ
હજારો ફરિયાદો ધરબીને બેઠેલો વડવાનલ
લાખો રહસ્યો ને સમાવીને સચવાયેલો મહેલ
કંઇક વર્ષોની અધૂરી અજુગતી કોઈ ઝંખના
પારાવાર પળેપળે પીડાતી જતી અસહાયતા
મારા રુદયમાં સચવાયેલી સંવેદનાસભર સલ્તનત
તારા રુદયમાં મારી, એક મારી જ અધુરપનો અનુભવ
હા, તારી આંખોની શરમાતી વેદના એટલે : હું.. મારું હોવાપણું..
જે હવે મારામાં જ નથી, ક્યાંય નથી !
બસ, એક તારી આંખોની…

વાઘેલા ભાગ્યશ્રીબા

ધરબીને રાખ્યા છે…

ધરબીને રાખ્યા છે,
હજારો સમંદરો મેં હૈયાની ભીતર !
કરુણા એક જ વાતની છે કે,
એ ઠલવાઈ નથી શકતા, કે
ન તો હું ઠાલવી શકું છું !
આંખોના કિનારા સાથે તીવ્રતાથી
અથડાઈને…
પાછા ઠેલાઈ જાય છે ! અને
વર્ષોથી ધરબીને રાખેલા
સમંદરોના સમંદરો ક્ષણાર્ધમાં જ,
જાણે સૂકાઈ જાય છે !
હા, છેલ્લે બાકી રહે છે ને,
ભડકે બળેલા મારા રુદયની
રાખ !!!

– વાઘેલા ભાગ્યશ્રીબા

મારી કલ્પના…

બની જવા માંગુ છું ,
કોઈ કરુણરસવાળી વાર્તાનું પાત્ર,
કોઈ નવલકથાનું મુખ્ય પાત્ર નહિ,
લીડ રોલ જ !!!
સમાઈ જવા માંગુ છું,
‘અશ્રુઘર’માં,
‘વડવાનલ’માં,
‘તુલસીક્યારા’માં,
કોઈ બિચારી-
‘કુંતી’માં,
ખોવાઈ જવા માંગુ છું
’સાત પગલાં આકાશ’માં !!!
ધોળાઈ જવા માંગુ છું
‘કસુંબલ રંગ’માં !
સમાઈ જવા માંગુ છું
‘કાવ્યસેતુ’ના ઉદરમાં !
જન્મ જન્મથી તરબોળ ‘ગાલીબ’નો
કોઈ ‘શેર’ બની જવા માંગુ છું !
વેરાન વાસ્તવિકતાને ત્યાગીને
કોઈની કલ્પના બની જવા માંગુ છું !
નિતાંત કલ્પના !
એવી કે જેને કદી
વાસ્તવનો ઓછાયો પણ ન લાગે !
ચિરંજીવ કલ્પના…
મારી કલ્પના… કલ્પના…. કલ્પના… જ !

વાઘેલા ભાગ્યશ્રીબા (શિવરાજગઢ, ગોંડલ)

કેટલું સારું હોત…

કેટલું સારું હોત…
કેટલું સારું હોત કે તેં,
મારી બદામી આંખોને જોવા કરતા,
એની ભીતર રક્તવરણી વેદનાની
લગાર ઝાંખીને જોઈ હોત !

તેં ધનુષાકાર પાતળીયા અધરોને જોવા કરતા
એની ઉપર રમતું પીડાનું મૂંગું
શબ્દાલય જોયું હોત !

તેં લાંબા-ઘાટા-ભૂરા વાળને જોવા કરતા,
રુદયમાં ક્ષણે ક્ષણે ગાઢ બનતું, ને
જેમાં તારા ભટકવાની
પૂરી શક્યતા છે એવા
એકલતાના ખાલી-કોરા
જંગલને જોયું હોત !

તેં મારા હસતા-શરમાતા રૂપાળા ચહેરા કરતા,
ચહેરા પાછળનો ઝૂરતો- જે
ચામડીના ઉખડેલા પોપચાવાળો ઘાવ ભરેલો
શ્યામલ ચહેરો જોયો હોત !

તેં પાતળી કમર પર શોભતી લાલ-ગુલાબી
લહેરાતી સાડી જોવા કરતા,
મારા નખશીખમાં લહેરાતા સાત સાત સમંદરનું
ઘુઘવાટા કરતુ મૌન જોયું હોત !

કાશ…! તેં મને જોવા કરતા,
મારી ભીતર યુગોથી કોહવાયેલી પડેલી
મારી જ જીવતી લાશને જોઈ હોત, તો !
તારો ને મારો સંબંધ આજ
‘આપણો’ સંબંધ હોત !
નહીં કે એકલો સંબંધ !!!

વાઘેલા ભાગ્યશ્રીબા (શિવરાજગઢ, ગોંડલ)