ભડકો થયો

આગ ઠારી એટલે ભડકો થયો,
હું ય તિખારાં પછી ગણતો થયો.

સાવ છેડે આપણે ઊભા ભલે ,
તાર એનો તૂટતા રણકો થયો.

સૂર્ય ડૂબે એમ હું ડૂબ્યો છતાં,
ચો-તરફ કાં આટલો તડકો થયો.

ઓળખી લીધો મને મેં જ્યારથી,
સાવ ચોખ્ખા આયના ધરતો થયો.

મેં જ મારી આંગળી પકડી અને,
હું જ મારી ભીડથી અળગો થયો.

– વારિજ લુહાર

Advertisements

શરત પાળવાની

શરત એટલી કે શરત પાળવાની,
પછી પણ પછીની ગરજ પાળવાની.

તને ફૂલ ગમશે બધી વાત સાચી,
રમત એમ ક્યાં હરવખત પાળવાની

હતાં તે તળાવો ગયા સાવ ડૂકી,
હવે શું ? હવેથી તરસ પાળવાની..!!

વિકલ્પે વિકલ્પે થતું જીવવાનું,
નથી ફાવતી આ મમત પાળવાની

ત્વચા થીજવાની લગોલગ પહોંચી,
અને થાય ઇચ્છા અગન પાળવાની.

– વારિજ લુહાર 

ભીંજાવા દે

છલકે છે છલકાવા દે,
થોડું તો ભીંજાવા દે.

તારી તરસ હું જાણું છું,
થોડુંક જળ છે પાવા દે.

ગીત મજાના ગાવા છે,
જો તું કહે કે થાવા દે.

હમણાં હું આવું પાછો,
થોડે લગ તો જાવા દે.

– વારિજ લુહાર

મનથી સવાયું

મનમાં હતું કૈંક મનથી સવાયું,
મળવાનું તેથી જ નક્કી કરાયું.

દિલમાં હવે સ્થાન દેવું જ પડશે,
મનથી બધું એમ મનમાં લવાયું.

સાથે જ રહેવું પડે એમ લાગ્યું ,
તેથી ન પાછળ ન આગળ થવાયું

પાળેલ શ્વાનો કરે બંધ ભસવું,
મનમાં જ એવું મનોમન લખાયું.

– વારિજ લુહાર

વાત શું માંડવી ?

ઊડતાં ખગ વિશે વાત શું માંડવી ?
ધૂંધળા નભ વિશે વાત શું માંડવી ?

દર્દ સહેવું પડે સાવ મૂંગા રહી,
દુ:ખતી રાગ વિશે વાત શું માંડવી ?

માર્ગ મળતો નથી ચાલવું કઈ તરફ,
ધ્રૂજતા પગ વિશે વાત શું માંડવી ?

છે, હશે કે નથીની બધી શક્યતા,
કોઈ લગભગ વિશે વાત શું માંડવી ?

પહોચવાનું હજી કેટલું દુર છે ?
બુઝતી શગ વિશે વાત શું માંડવી ?

વારિજ લુહાર

રોકાય ના

બે ઘડી વાત કરવા ય રોકાય ના,
જાય છે કઈ તરફ એ ય દેખાય ના.

હોય છે ઘર અને દ્વાર હોતા નથી,
એ તરફ જાવ તો કોઈ ડોકાય ના .

શબ્દનું બીજ છે સાવ સુક્કું હજી ,
એટલે મૌનનું વૃક્ષ કોળાય ના .

ડૂબતાં-ડૂબતાં પાર જે નીકળે ,
એ ફરી ક્યાંય પણ ડૂબવા જાય ના.

રાતવસો કરી જીવ ઘોડે ચઢે ,
આપણાંથી પછી કાંઈ બોલાય ના.

– વારિજ લુહાર

જુઓ

શ્વાસને ગોખાય તો ગોખી જુઓ,
ચોપડે નોંધાય તો નોંધી જુઓ.

રાત આખી જાગવાનું હોય ત્યાં ,
સ્વપ્નને ઓઢાય તો ઓઢી જુઓ.

કેટલી પીડા ભરી છે ભીતરે ,
એ વિશે બોલાય તો બોલી જુઓ.

શબ્દ એનાં અર્થને પામી જશે ,
મૌનને જોખાય તો જોખી જુઓ .

– વારિજ લુહાર