આવડી ગઈ!

તને જીતવાની શરત આવડી ગઈ,
મને હારવાની રમત આવડી ગઈ.

ઘણું મૌનમાં સ્પષ્ટ કીધાં કર્યું છે,
રસમ આકરી હરવખત આવડી ગઈ.

સમયની વિષમતા ન સ્પર્શી શકે છે,
સ્વયંની હવે માવજત આવડી ગઈ.

મને આંગળી યાદ આવી જ્યાં માની,
ભૂલેલી કવિતા તરત આવડી ગઈ!

પરીક્ષા કર્યા કર ભલે જિંદગી તું!
દુઆઓ ઘણી કારગત આવડી ગઈ.

– શૈલેન રાવલ

Advertisements

ફેલાવ ના

ગેરસમજણ સામટી ફેલાવ ના,
દુશ્મનોની જેમ તું બોલાવ ના.

એક તો મનથી બહુ દાઝેલ છું,
ગત-સમયનું તાપણું સળગાવ ના.

કોણ સમજ્યું છે અહીં કિંમત કદી,
વ્યર્થ તું સંબંધ વચ્ચે લાવ ના

મેં સમજવામાં નથી ગલતી કરી,
દોસ્તી શું છે મને સમજાવ ના.

કાં મને પડકારવાનું બંધ કર,
કાં સુલેહી વાવટો ફરકાવ ના.

શૈલેન રાવલ

થઈ ગયા

ગામ શેરી ઘર પરાયા થઈ ગયા;
ને સ્વજન સહુ ઓરમાયા થઈ ગયા.

જેમની ઓળખ સમું નહોતું કદી;
એય મારે મન સવાયા થઈ ગયા.

એ જરસ્તા પર મને દોરી ગયા
વૃક્ષ જે અત્તરના ફાયા થઈ ગયા.

મેં દિલાસા ક્યાં કદી ઈચ્છ્યા હતા ?
કાં તમે અવસાદ- છાયા થઈ ગયા ?

ચોતરફ ઘેરી ઊભા ‘તા જે મને;
આજ સૌ છૂટા- છવાયા થઈ ગયા.

“હું ય બાણું લાખ કિલ્લાનો ધણી !!”
લ્યો ,વિચારો પણ ભવાયા થઈ ગયા.

– શૈલેન રાવલ

માણસ થવાનું

મળે કપટી ક્ષણે સાલસ થવાનું,
નિરંતર મન પછી સારસ થવાનું.

અડગ નિશ્ચય, અકળ સંશયની વચ્ચે,
બહુ મુશ્કેલ છે માણસ થવાનું.

ફરી આરોપ યાદોના થવાના,
સમી સાંજે ફરી ધુમ્મસ થવાનું.

હવામાં કોણે આ વસિયત કરી છે ?
અમારે મ્હેકના વારસ થવાનું ?

શૈલેન રાવલ

મનધારી બને છે

પછી ઘટનાઓ અણધારી બને છે,
અગર દીવાલમાં બારી બને છે.

અરે મોસમનો રુત્બો જોઇ તો લે !
ફૂલોના ઠાઠ દરબારી બને છે.

રહે છે દુષણોથી મુક્ત કાયમ,
કદી ક્યાં વૃક્ષ સરકારી બને છે ?

ઉપરછલ્લી નજરથી વાંચવાના,
બધા સંબંધ અખબારી બને છે.

વિવાદો મૌનમાંથી ઉદભવે, તો –
અમારી વાત તકરારી બને છે.

હશે દેવાલયો પણ સાવ ખાલી,
નમન પણ જ્યાં અદાકારી બને છે.

સ્વયંને ત્યારે અવતારી ગણું છું,
જો ઘટના કોઇ મનધારી બને છે.

શૈલેન રાવલ