અંધાર છે

તેજ નહિ, અંધાર છે,
કોણ સર્જનહાર છે?

કેટલો પડકાર છે,
શ્વાસનો પણ ભાર છે.

ચલ, સમેટી લે બધું,
કોણ બોલ્યું: વાર છે?

એ જ વેચે મિત્રતા,
જેમનો વેપાર છે.

રોજ પૂછે ઘર મને,
કોઈ ખુલ્લું દ્વાર છે?

ક્યાં ખુશામત આવડી,
દોસ્ત! સમજણ બ્હાર છે.

હું પડીને જોઉં છું,
કોણ ઊંચકનાર છે?

– સુનીલ શાહ

ભીનો ચીતર્યો

લોકો એ છો ટૂંકો ચીતર્યો, મેં બહુ લાંબો ચીતર્યો,
જીવનની આ સ્લેટ ઉપર, સમજણનો કક્કો ચીતર્યો.

જેનાં ઝાંઝરથી દિલના તારો ઝણઝણ્યા છે દોસ્ત!
મેં શ્વાસોની ભૂમિ ઉપર બસ, એનો ઠુમકો ચીતર્યો.

ફાટેલાં કપડે, ભૂખ્યાં પેટે ફૂટપાથે જોયો,
દેખાયો એ જેવો, મેં ઈશ્વરને એવો ચીતર્યો.

ફૂલ! નથી તારો આ ઠસ્સો કેવળ તારે કારણ,
આજ હવા પર ભમરાએ એવો સંદેશો ચીતર્યો.

હાથે કંપન, આંખે અંધાપો, પગ ડગમગ છે જ્યાં;
મોભ હતો ઘરનો, મેં એને થોડો ભીનો ચીતર્યો.

– સુનીલ શાહ

પાંખોની દોસ્તી

માયા ક્યાં ઓછી રાખી છે,
પાંખોની દોસ્તી રાખી છે.

આંસુ કઈ રીતે આવ્યાં, કહું ?
ઈચ્છાઓ પકડી રાખી છે.

અંધારું ક્યાંથી પ્રગટે કહે,
મેં શગને લાંબી રાખી છે.

નિષ્ફળતા સામે આવી પણ,
મેં ગતિ ક્યાં ધીમી રાખી છે ?

સુખનું કારણ તો એ છે દોસ્ત,
મેં ચાદર ટૂંકી રાખી છે.

સુનીલ શાહ

હાલમાં પ્રગટ થયેલ તેમના ગઝલ સંગ્રહ
‘પાંખોની દોસ્તી’ માંથી સાભાર….

અવતાર થઈ જાય !

નિરાકારથી કોઈ આકાર થઈ જાય,
તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?
પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !

બને બંધ, જો આંસુનાં પૂર પર, તો–
પ્રતીક્ષાની વેળાનો વિસ્તાર થઈ જાય !

ઉઝરડાય ઉજવી લઈએ હૃદયથી,
ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !

મળે શબ્દને જો ઘરોબો હૃદયનો,
ગઝલ નામે કેવો ચમત્કાર થઈ જાય!

– સુનીલ શાહ

નર્યા આદેશમાં

એટલી ભીનાશ ક્યાં જીવંત છે આ રેતમાં,
ચિત્ર એનું કેવી રીતે દોરવું અહીં, સહેજમાં !

આભ જેવો તેં ભલે પાલવ દીધો ઈશ્વર! છતાં,
સ્વપ્ન એમાં ટાંકવાની ક્ષમતા ક્યાં પ્રત્યેકમાં?

નમ્રતાથી વાત કરશો તો બધા સ્વીકારશે,
કૈં જુદી થઇ જાય છે ઘટના નર્યા આદેશમાં !

ઉત્સવોનાં ઓરતા ‘ને આ અપેક્ષાઓની લત,
ક્યાં મળે છે મનને કંઇ સંતોષ જેવું એકમાં !

આમ લાગે કે-બધું છે, આમ લાગે-કંઇ નથી,
હોય એ સરતું રહે છે રેત માફક, રેતમાં.

હોય સારો-સાચો માણસ આપણી વચ્ચે, પછી,
ફાંફા શાને મારવા, આ ઉપનિષદ ને વેદમાં ?

– સુનીલ શાહ

સમજાવે નહિ

છો ને મંઝિલ મનગમતી આવે નહિ,
પાછી પાની કરવાનું ફાવે નહિ.

એનું તો ક્યાં કૈં ખર્ચાવાનું છે ?
ખિસ્સામાં જે સપનાંઓ લાવે નહિ !

તડકો ઓઢીને ફરનારું આ વૃક્ષ,
માણસને કાં કંઈપણ સમજાવે નહિ ?

સુખનો અવસર ક્યાંથી આવે અંદર ?
મનની ભીંતોને તું તોડાવે નહિ !

ખાલી રક્ષા બાંધ્યાનો મતલબ શો ?
જ્યાં લગ તું વ્હાલપને બંધાવે નહિ.

– સુનીલ શાહ

વ્યથા અધૂરી છે

એવું સ્હેજ પણ છે નહિ, વારતા અધૂરી છે,
તમને સાચું કહી દઉં છું કે વ્યથા અધૂરી છે.

જેમને ન સમજાઈ લાગણી કદી મારી,
એમની કદાચિત આ પાત્રતા અધૂરી છે.

રાત લાંબી થઈ એમાં દોષ ભાગ્યનો ક્યાં છે..?
એમની કશે ને ક્યાં, બસ દુઆ અધૂરી છે…!

સાંજ, એટલું જોજે કે બધાજ ઉઘડે રંગ,
આજ છો ને કોઈ કહે કે ઉષા અધૂરી છે..!

જે દિવસ તમે આવ્યા, એ દિવસ ફરી આવે,
આ હૃદયને લાગે છે, સાંત્વના અધૂરી છે.

રંગ હાથમાં ઉઘડ્યા, તોય ક્યાં મઝા આવી..?
લાગણી વિનાની એ દિવ્યતા અધૂરી છે.

-સુનીલ શાહ