ઈચ્છા નથી

આરામદાયક રાહની ઈચ્છા નથી,
તલભાર સસ્તી ચાહની ઈચ્છા નથી.

પૂજા કરું છું જીવતા ઈન્સાનની,
દેવળ અને દરગાહની ઈચ્છા નથી.

અણમોલ મૂડી સાંપડી છે શબ્દની,
એના ઉપર નિર્વાહની ઈચ્છા નથી.

મારે ગઝલ કહેવી હતી તેથી કહી,
બાકી દુબારા, ‘વાહ’ની ઈચ્છા નથી.

– હરજીવન દાફડા

સૌજન્ય- એફ. બી.

Advertisements

ભુલાઈ જાય છે

પૂરમાં વહેવું ભુલાઈ જાય છે,
માપમાં રહેવું ભુલાઈ જાય છે.

હું નીરખતો હોઉં છું જ્યારે તને,
કાંઈપણ કહેવું ભુલાઈ જાય છે.

અંગડાઇ મૂર્તિની પડખે ના મળે,
ધ્યાન ક્યાં દેવું ભુલાઈ જાય છે.

ઊભરે છે જેમ તારું ભોળપણ,
એમ પારેવું ભુલાઈ જાય છે.

પગ ઉપાડું સહેજ પોતાની તરફ,
ને જગત જેવું ભુલાઈ જાય છે.

હરજીવન દાફડા

ધરાર જીવ્યા

જીવાય એમ નહોતું તોયે ધરાર જીવ્યા,
આઠે પહોર વેઠી અનહદ પ્રહાર , જીવ્યા.

ખખડાવવા છતાંયે ખૂલ્યાં ન બારણાંઓ,
ઝોળીમાં ઊંચકીને કેવળ નકાર જીવ્યા.

કોઠાર કોઈ વરસે પૂરા ભરાય છે ક્યાં ?
કોઠીમાં સાચવીને પાલી જુવાર જીવ્યા.

પારેવડાની પેઠે ફફડાટ પાથરીને,
પોતીકી જિંદગીને જાણે ઉધાર જીવ્યા.

બુઠ્ઠી હયાતી લઈને બેબસ વરસ ગુજાર્યાં,
તોડે ગુલામી એવું ક્યાં ધારદાર જીવ્યા.

~ હરજીવન દાફડા

આપણી પાસે નથી

શ્વાસના ચોક્કસ હિસાબો આપણી પાસે નથી,
આપણા બરના જવાબો આપણી પાસે નથી.

વૈભવી સામાનથી છલકાય છે ઘર આપણાં,
કોઇ ખૂણામાં કિતાબો આપણી પાસે નથી.

સહેજ અમથું સુંઘવાથી આયખું મહેકી ઊઠે,
એટલા સક્ષમ ગુલાબો આપણી પાસે નથી.

એકબીજાને પરસ્પર ઓળખી શકતા નથી,
આપણા અસલી રૂઆબો આપણી પાસે નથી.

એક ઊંચા કૂદકે આકાશને આંબી શકે,
એટલા મજબૂત ખ્વાબો આપણી પાસે નથી.
                                        …..હરજીવન દાફડા