આગ દિલની

આગ દિલની હાથને આખો દઝાડે!
ટેરવાઓ ભાર પર્વતનો ઉપાડે;

આ કલમને સ્હેજ પણ નિરાંત ક્યાં છે?
શબ્દને એ હર ઘડી સૂતો જગાડે!

આ ગ્રહો સઘળાં સતત ફરતા મૂકીને,
તું પ્રભુ! બ્રમ્હાંડમાં કોને રમાડે?

કોઈ ખુલ્લેઆમ કંઈ કહેતું નથી ને-
દાવપેચો થાય ભીડેલાં કમાડે;

ચાલ, દુનિયાની ફિકર સઘળી મૂકી દે!
કોણ એની વાતનું માઠું લગાડે?

શબ્દનો છે સાથ એથી તો જીવું છું;
‘પાર્થ’ બીજું કોણ આપણને જીવાડે?

– હિમલ પંડ્યા ‘પાર્થ’

Advertisements

બેદરકાર છું

સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું,
એ છતાં યે સાંભળી લે, હું જ તારો પ્યાર છું;

રોજ હું આવીશ તારા ઊંબરા સુધી સનમ,
હું જ સૂરજનું કિરણ, હું રાતનો અંધાર છું;

દોસ્ત જે અંગત હતાં એ હાલ સૌ પૂછી ગયાં,
હું પડ્યો જો પ્રેમમાં, સહુને થયું બીમાર છું;

વ્હેમ આ મારા જ મનનો હોય તો યે છો રહ્યો,
માંગનું સિંદૂર હું, તારા ગળાનો હાર છું;

જિન્દગી તારી ભલે ને વારતા જેવી હશે,
આખરે તો હું જ એ આખી કથાનો સાર છું

– હિમલ પંડ્યા

નહી કહી શકું

જે માનતો નથી એ કદી નહી કહી શકું,
સાવ જ અમસ્તી લાગણીમાં નહી વહી શકું;

સહુનો મળે ન પ્રેમ તો એ ચાલશે મને,
સહુ અવગણે મને તો હું એ નહી સહી શકું;

આ થાય, આ ન થાય, આ કરાય, ના કરાય;
તમને ગમે એ રીતથી તો નહી રહી શકું!

સાચું જો કહેવા જઇશ તો માર્યો જઈશ, ને-
ખોટું મરી જઈશ છતાં નહી કહી શકું!

આ બસ ખુમારી છે જે ટકાવી રહી મને;
એના વિના હું ક્યાંય ટકી નહી રહી શકું.

– હિમલ પંડ્યા

આવ મા

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઈનામ લઈને આવ મા.

આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા.

ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર ‘શ્રી રામ’ કે ‘ઈસ્લામ’ લઈને આવ મા.

જીન્દગી આખી વીતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા.

હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો,
દોસ્ત, અત્યારે છલકતો જામ લઈને આવ મા.

હિમલ પંડ્યા