પડદો પડી જશે

આંસુ બની જો આંખથી કિસ્સો પડી જશે
જગથી છુપાવ્યો હાલ જે ખુલ્લો પડી જશે

એ બીકે અટકી જાય છે એક વાત હોઠ પર
કે ફૂલ શો ખીલેલો એ ચહેરો પડી જશે

ચકચાર થાય એટલું અફવાનું જોર બસ!
સચ્ચાઈ સામે આવશે સોપો પડી જશે

મારી જુઓ ટકોરા કોઈનાય ઈમાન પર
બોદો નીકળશે ક્યાંક તો ગોબો પડી જશે

એકદમ ન હાથ નાખ સળગતા સવાલમાં
થોડો સમય જવા દે એ ઠંડો પડી જશે

આખા જીવનને માપતાં આ શ્વાસનો પનો
એક પળનું મોત માપવા ટૂંકો પડી જશે

હેમંત નટ કે પાત્ર તું જલદીથી નક્કી કર
કે કોઈપણ પળે અહીં પડદો પડી જશે

હેમંત પુણેકર

સૌજન્ય- એફ. બી.

Advertisements

રાખે છે

એમ થોડો લગાવ રાખે છે,
સ્વપ્નમાં આવજાવ રાખે છે.

ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી,
હલકો હલકો તણાવ રાખે છે.

ફૂલ શી જાત રક્ષવા માટે,
કાંટા જેવો સ્વભાવ રાખે છે.

એ તો દબડાવવા સમંદરને,
ફક્ત કાગળની નાવ રાખે છે.

ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ,
યાદ એક અણબનાવ રાખે છે.

– હેમંત પુણેકર

ગુલામી હોય છે

મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે,
એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે.

દ્રશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી,
આપણી દ્રષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે.

આંખના કાંઠે તો બસ બે ચાર બિન્દુ ઊભરે,
મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે.

સૂર્ય શો હું, આથમીને સત્ય એ સમજી શક્યો,
માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે.

નામ પાછળ જીંદગીભર દોડવું એળે જશે,
આખરે જે જાય છે એ તો ‘ન-નામી’ હોય છે.

હેમંત પુણેકર

સમજી શકું છું

દુઃખીને, ન્યાલને સમજી શકું છું,
સમયની ચાલને સમજી શકું છું.

અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ ?
તમારી ઢાલને સમજી શકું છું.

અધર અડવા જતા સામા મળેલા,
ગુલાબી ગાલને સમજી શકું છું.

ફૂટી નીકળ્યો છે પાંપણમાં અનાયાસ,
નકામા ફાલને સમજી શકું છું.

બધે હોવા છતાં ક્યાંયે ન હોવું,
હવાના હાલને સમજી શકું છું.

હેમંત પુણેકર