નામ એનું

નામ એનું મેં સમય રાખ્યું હતું
નામ એનું મેં જખમ રાખ્યું હતું

જે સમયનો આશરો લઇ દે જખમ
નામ એનું મેં પ્રણય રાખ્યું હતું

શ્વાસ સાથે છે પ્રણય મૃત્યુ તક
નામ એનું મેં સફર રાખ્યું હતું

એ સફર માણ્યા કરી છે મેં સતત
નામ એનું મેં ધરવ રાખ્યું હતું

જોઈ પાલવ એ ધરવ રાખે નહીં
નામ એનું મેં પવન રાખ્યું હતું

‘કીર્તિ’નાં મસ્તિષ્કમાં ભમતો પવન
નામ એનું મેં ગરવ રાખ્યું હતું

– કીર્તિકાન્ત પુરોહિત

નિરાળી છે

દિલમાં યાદો બધી નિરાળી છે,
જે ક્ષણો તારી સાથે ગાળી છે.

હું કરું ખેલ એની સાથે રોજ,
વેદના મેં મજાની પાળી છે.

હુંય રાખું ભરોસો માણસનો,
આસ્થા એટલી ઉજાળી છે.

કાલ સુરજ સુવર્ણી ઉગવાનો,
રાત એથી વધારે કાળી છે.

ફુલ ભરચક ખીલે જ્યાં ‘આનંદ’ના,
મનમાં એવી ઉગાડી ડાળી છે.

– અશોક જાની ‘આનંદ’

આવડી ગઈ!

તને જીતવાની શરત આવડી ગઈ,
મને હારવાની રમત આવડી ગઈ.

ઘણું મૌનમાં સ્પષ્ટ કીધાં કર્યું છે,
રસમ આકરી હરવખત આવડી ગઈ.

સમયની વિષમતા ન સ્પર્શી શકે છે,
સ્વયંની હવે માવજત આવડી ગઈ.

મને આંગળી યાદ આવી જ્યાં માની,
ભૂલેલી કવિતા તરત આવડી ગઈ!

પરીક્ષા કર્યા કર ભલે જિંદગી તું!
દુઆઓ ઘણી કારગત આવડી ગઈ.

– શૈલેન રાવલ

ભડકો થયો

આગ ઠારી એટલે ભડકો થયો,
હું ય તિખારાં પછી ગણતો થયો.

સાવ છેડે આપણે ઊભા ભલે ,
તાર એનો તૂટતા રણકો થયો.

સૂર્ય ડૂબે એમ હું ડૂબ્યો છતાં,
ચો-તરફ કાં આટલો તડકો થયો.

ઓળખી લીધો મને મેં જ્યારથી,
સાવ ચોખ્ખા આયના ધરતો થયો.

મેં જ મારી આંગળી પકડી અને,
હું જ મારી ભીડથી અળગો થયો.

– વારિજ લુહાર

સરોવર નીકળ્યું

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું !

શ્વાસ છે તો શિર પર આકાશ છે,
કેટલું કૌતુક મનોહર નીકળ્યું !

પુત્ર હીના જેવી દુનિયા એટલે,
આજ પણ મીઠું ઘરોઘર નીકળ્યું !

કલ્પના વચ્ચે ન જાણે શું હશે?
અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું !

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું !

– શ્યામ સાધુ

ઝંખના કરી છે

ઝંખના કરી છે
હા, એક તારી ઝંખના કરી છે.
સહરાના રણની તરસથી વધુ,
પૃથ્વીવલ્લભની તીક્ષ્ણ આંખોની
જ્વાળાથી યે વધુ,
કોઈ શાયરની દાસ્તાન-એ-ગમ શી
કલમથી યે વધુ,
ઘૂઘવાટા કરતા મસમોટા સમંદરના
મૌનથી વધુ,
ઢળતી સાંજનો કેસરિયો
રંગ બનીને
અંધારી રાતે ચિક્કાર- કારાગાર બની
જીવનથી, શ્વાસોથી,
રુદયથી હદપાર,
એક તારી ઝંખના કરી છે,
અનિમેષ, અમીટ, અગાધ,
અપાર, અહર્નિશ,
અનંત સુધી મટી જઈને તારી
ઝંખના કરી છે,
ઓહ ! એક મારા
‘એ’ની જ ઝંખના….

વાઘેલા ભાગ્યશ્રીબા

સ્વપ્ન વણાતું હોય છે

સ્વપ્ન આંખોમાં વણાતું હોય છે,
ભાગ્ય એ રીતે લખાતું હોય છે.

હળવે હાથે ઘા કરો એના ઉપર,
રણકી ઉઠે એ જ ધાતુ હોય છે.

મન ભલે કોઈ વાત માની લે છતાં,
આખરે તો મન મૂંઝાતું હોય છે.

આંગણું, ઘર, ઓસરી ખાલી હશે,
એક પંખી રોજ ગાતું હોય છે.

એક એક ડગલું તમે ભરતા રહો,
લાંબુ અંતર એમ કપાતું હોય છે.

પ્રવીણ શાહ