Category Archives: ગઝલ

જેવું કંઈ નથી

આંખમાં આ સ્વપ્ન જેવું કંઈ નથી.
હોઠ પર પણ શબ્દ જેવું કંઈ નથી.

જાતને હું સાંભળું તો શી રીતે ?!
માંહ્યલાને કર્ણ જેવું કંઈ નથી.

માત્ર તારે કોશિષો કરવી રહી,
હું કહું ? પ્રારબ્ધ જેવું કંઈ નથી.

હું તો બસ ચાલ્યા કરું, ચાલ્યા કરું,
આ નજરમાં લક્ષ જેવું કંઈ નથી.

ચોતરફથી ઉત્તરો પડઘાય છે,
પણ હવે લ્યો પ્રશ્ન જેવું કંઈ નથી.

ક્યાં સુધી આ વાત મારી સાંભળો ?!
આ કથાના અંત જેવું કંઈ નથી.

એમણે ‘આનંદ’નો રસ્તો પૂછ્યો,
મેં કહ્યું મન મસ્ત જેવું કંઈ નથી.

અશોક જાની ‘આનંદ’

આ બધા દેખાવ છે

દૂરતાના આ બધા દેખાવ છે,
છે નદી તો બેય કાંઠે નાવ છે…

ખૂટતી ખરચી ને લાંબી વાટ છે,
હાંફતા શ્વાસોનો શો પ્રસ્તાવ છે?

આંસુની ઇચ્છા અકારણ થાય છે,
ક્યાંક મારામાંય ઊંડી વાવ છે…

એક તરણું પહાડને માથે ચડયું,
પહાડનું દિલ પણ ઘણું દરિયાવ છે…

ગોઠવી જ્યારે રહ્યો શતરંજને,
એક મ્હોરું કહેતું, મારો દાવ છે…

  • ચિનુ મોદી

પંક્તિ લખી

કોરા કાગળ પર લીટી દોરે સખી,
ને અમે એ માપની પંક્તિ લખી.

ચીતરે કંઇ એમ એનો એક હાથ,
જેમ ઝુલે વૃક્ષની એક ડાળખી.

આંખ ખોલું તો મને દેખાય એ,
એ કે જેને મેં હૃદયથી નીરખી.

એક વાદળ એમ ચાલ્યું જાય છે,
આભમાં જાણે કે જળની પાલખી.

કેમ પાણીમાંથી છુટું પાડવું,
એક આંસુના ટીપાંને ઓળખી.

ભરત વિંઝુડા

આદરી… અધૂરી

આદરી છે અને અધૂરી છે,
જાતની જાતરા ક્યાં પૂરી છે ?

જીવવા યાદ બહુ જરૂરી  છે,
એટલે મેં સતત વલૂરી છે,

રાહ જોવામાં શૂરીપૂરી છે,
મારી આંખો ગજબની નૂરી છે.

ધૂળ શ્રદ્ધા અને સબૂરી છે !?
લાગે છે ભીરુતા ઢબૂરી  છે

ભાવ-સમભાવ- ધ્યેય નહિ હો તો-
જિંદગી કંઈ નથી મજુરી છે !

ખાસ મિત્રો છે થોડી દેહશત છે.
મુખમાં રામ બગલમાં છૂરી છે !

એકમાર્ગી નથી હૃદય મારું,
ચાહ પામ્યો છું… ચાહ સ્ફૂરી છે.

બકુલેશ દેસાઈ

ખયાલ છે

(રથોધ્ધતા ગઝલ)

રૂડી આ જીવનની રવાલ છે,
એ જ તો સફરની કમાલ છે.

સૂર્ય શો હું બહુ ખુશખુશ છું,
ઉરમાં ધરતીનું વહાલ છે.

શબ્દ તો સતત શાંત સાંપડે,
અર્થ કેરી સઘળે ધમાલ છે.

એક એક પળના હિસાબમાં,
આખું આયખું ય મારું ન્યાલ છે.

થાય વ્યાકુળ કિશોર શીદને ?
સ્થિતપ્રજ્ઞ સરખો ખયાલ છે.

ડૉ. કિશોર મોદી