મન થતું નથી

કરવટ વચાળ જીવવાનું મન થતું નથી,
ચાદર વચાળ જીવવાનું મન થતું નથી.

હરપળ સવારની હરખતી ફૂલદાની છે,
ટીખળ વચાળ જીવવાનું મન થતું નથી.

દિલ આભ લગ ધજાની માફક ફરફરી રહે,
ચામર વચાળ જીવવાનું મન થતું નથી.

ટહુકાની જેમ એકીશ્વાસે ફરવું છે સતત
મરમર વચાળ જીવવાનું મન થતું નથી.

હોવાપણાને હરઘડી એકાંત ભાવતું,
પાદર વચાળ જીવવાનું મન થતું નથી.

ઝળહળ સમગ્ર સૂર્યતા અર્પિત તને કિશોર
વાદળ વચાળ જીવવાનું મન થતું નથી.

ડૉ. કિશોર મોદી

11 thoughts on “મન થતું નથી

  1. P Shah

    નાવિન્યસભર લાંબી રદીફમાં કહેવાયેલ સુંદર ગઝલ !

    આ ગઝલ વાંચતા જ એક શે’ર સ્ફૂરે છે….

    નિર્મળ સરિત નીર સૌ અર્પિત તને કિશોર,
    સાગર વચાળ જીવવાનું મન થતું નથી.

    Reply
  2. himanshupatel555

    સરસ મનભાવન ગઝલ…આ ગમ્યું
    હોવાપણાને હરઘડી એકાંત ભાવતું,
    પાદર વચાળ જીવવાનું મન થતું નથી…….અને આ ઇન્ટરેક્ટિવ રીતે પણ ગમ્યુંઃ
    હોવાપણાને હરઘડી એકાંત ભાવતું,
    કરવટ વચાળ જીવવાનું મન થતું નથી,…..કે પછી આ પણ
    ટહુકાની જેમ એકીશ્વાસે ફરવું છે સતત,
    પાદર વચાળ જીવવાનું મન થતું નથી

    Reply
  3. Kirtikant Purohit

    હોવાપણાને હરઘડી એકાંત ભાવતું,
    પાદર વચાળ જીવવાનું મન થતું નથી.

    Very Nice.

    Reply
  4. Suresh Parmar 'Soor'

    ટહુકાની જેમ એકીશ્વાસે ફરવું છે સતત
    મરમર વચાળ જીવવાનું મન થતું નથી.

    હોવાપણાને હરઘડી એકાંત ભાવતું,
    પાદર વચાળ જીવવાનું મન થતું નથી.
    beautifully said; akhkhee gazal srs chhe.

    Reply
  5. Dhrutimodi

    હોવાપણાને હરઘડી એકાંત ભાવતું,
    પાદર વચાળ જીવવાનું મન થતું નથી.

    ટહુકાની જેમ એકીશ્વાસે ફરવું છે સતત,
    મરમર વચાળ જીવવાનું મન થતું નથી.

    સુંદર ગઝલ. બંધનયુક્ત કે શરતવાળું સરહદી જીવન નથી જોઇતું પોતાની રીતે જીવવું છે ગઝલકારને સુંદર ભાવ રજૂ કર્યો છે.

    Reply
  6. અશોક જાની 'આનંદ'

    ‘વચાળ જીવવાનું મન થતું નથી.’ જેવો બોલકો રદીફ દરેક શે’રમાં સુપેરે નિભવાયો છે,

    સાની મિસરામાં માત્ર એક જ શબ્દ ને આખો રદીફ જબરી મથામણ માંગી લે..

    આ વધારે અસરકારક રહ્યું,
    ટહુકાની જેમ એકીશ્વાસે ફરવું છે સતત
    મરમર વચાળ જીવવાનું મન થતું નથી.
    ઝળહળ સમગ્ર સૂર્યતા અર્પિત તને કિશોર
    વાદળ વચાળ જીવવાનું મન થતું નથી.
    શ્રી પ્રવીણભાઈનું ઉમેરણ પણ સુંદર રહ્યું.

    Reply
  7. પંચમ શુક્લ

    લાંબા રદીફ અને તંગ જગ્યામાં કાફિયાઓ પાસેથી સરસ કામ લેવાયું છે. અને આમ છતાં ગઝલ એટલી જ સહજ અને કુદરતી લાગે છે. અનુભવી કલમની સબ્લાઈમ અસર.

    Reply
  8. Sudhir Patel

    ઉલા મિસરો ફક્ત કાફિયા અને રદીફથી પૂરો થતો હોઈ એવી બખૂબી ગઝલ!
    સુધીર પટેલ.

    Reply

Leave a comment