આંગળીમાંથી

સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

– મનોજ ખંડેરિયા

6 thoughts on “આંગળીમાંથી

  1. Nihali

    ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
    પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

    વિખ્યાત કવિની સુંદર ગઝલ.

    Reply
  2. અશોક જાની 'આનંદ'

    કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
    ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી… વાહ..!!

    આખે આખી ગઝલ મનનીય …!!

    Reply

Leave a comment